બ્રિટનમાં છાશવારે રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહેલા લોકોની સામે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કડક હાથે કામ લેવા માટે પોલીસને આદેશ આપ્યો છે.
સુનકે દેશના તમામ શહેરોના પોલીસ વડાઓની એક બેઠક બોલાવી હતી અને તેમાં તેમણે કહ્યુ હતુ કે, લોકતંત્રમાં ભીડતંત્ર ચલાવી લેવાય નહીં અને દેખાવો ભીડમાં ફેરવાઈ ના જાય તે માટે પોલીસે તમામ અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, હમાસ અને ઈઝરાયેલ વચ્ચે જંગ શરૂ થયા બાદ બ્રિટનમાં અત્યાર સુધીમાં ઠેર ઠેર દેખાવો થયા છે. મોટા પાયે રેલીઓ કાઢવામાં આવી છે અને તેમાં હિંસા પણ થઈ છે. આ ઘટનાઓ બાદ સુનકે પોલીસ વડાઓની બેઠક બોલાવીને તેમને હવે દેખાવો સામે આકરી કાર્યવાહી કરવા માટે અપીલી કરી છે.
સુનકે કહ્યુ હતુ કે, લોકતંત્રનુ સ્થાન ભીડતંત્ર લઈ રહ્યુ હોય તેવુ દેશના લોકોને લાગી રહ્યુ છે અને આ પરિસ્થિતિને અટકાવવી પડશે. પ્રદર્શનના નામે હિંસા અને લોકોને ડરાવવા માટે કોઈને છૂટ આપી શકાય નહીં.
ઋષિ સુનક તાજેતરમાં પોતાના રંગભેદ અંગેના નિવેદનને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, મેં પણ નાનપણમાં વંશવાદનો અનુભવ કરેલો છે. મારા માતા પિતા મને ડ્રામાના વધારાના ક્લાસમાં મોકલતા હતા. જેથી હું પણ બ્રિટનના બીજા બાળકો જેવા ઉચ્ચારણો બોલતી વખતે કરી શકું.