તાજેતરમાં થયેલા માવઠાથી કપડવંજ પંથકના ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. તેમજ અનેક ખેડૂતોને વિવિધ પાકોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના નવાગામ, વ્યાસવાસણા,ઝંડા, નીરમાલી, કાવઠ,થવાદ,વડાલી વગેરે ગામોમાં માવઠાને કારણે ખેડૂતોના ઉભા મોલમાં વ્યાપક નુકશાન થયું છે.જેથી પંથકના ખેડૂતોએ સંબંધિત તંત્ર દ્વારા સર્વે હાથ ધરી ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગણી કરી છે.
કપડવંજ તાલુકાના નવાગામના અગ્રણી ખેડૂત કીરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત શનિવારના રોજ અચાનક માવઠું થતા કપડવંજના નવાગામ સહિત વ્યાસવાસણા,ઝંડા, નીરમાલી, કાવઠ,થવાદ,વડાલી વગેરે ગામોમાં વિવિધ પાકોને ભારે નુકસાન થયું છે.ખાસ કરીને શિવરાત્રિનો પર્વ નજીક આવે છે ત્યારે જમીન ભીની થઈ જવાને કારણે શક્કરિયા કાઢી શકાય તેમ નથી. હાલ શક્કરિયાનો ભાવ રૂ. ૪૦૦ની આસપાસ છે પરંતુ ખેડૂતો માવઠાથી લાચાર બની ગયા છે.તદ્ઉપરાંત ઘઉંનો દાણો પોચો થઈ ગયો છે, દાણો ભરાયો નથી અને પાક નમી ગયો છે.જેથી ઘઉંના પાકમાં પણ નુકસાન થયું છે.તેમજ વરિયાળીના પાકમાં પણ નુકસાન છે.વીઘે ૨૦ મણનો ઉતારો થતો હોય છે પણ માવઠાને કારણે પાંચ મણ પણ ઉતારો મુશ્કેલથી થશે. વરીયાળી પાક ઉપરના ફુલ ગરી પડ્યા છે.વરિયાળીનો ભાવ હાલ રૂ.૩૦૦૦નો છે પરંતુ ખેડૂતોના નસીબમાં જ નથી.
જ્યારે કપડવંજ તાલુકાના વ્યાસ વાસણાના ખેડૂત કસ્તુરભાઈ પટેલ, નવનીતભાઈ પટેલ રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે વ્યાસવાસણા,ઝંડા વગેરે ગામોમાં ઘઉં ૭૦ વીઘાથી ઉપર વાવેતર કર્યું છે. મકાઈ ૩૫ વીઘામાં,વરીયાળી ૨૫ વીઘામાં અને દિવેલા ૧૫૦ વીઘામાં વેવાતર કર્યું હતું.પરંતુ તાજેતરમાં આવેલ માવઠાથી ઘઉં,તમાકુ અને મકાઈના પાકમાં ૫૦ ટકાથી વધુ નુકસાન જ્યારે વરીયાળી અને દિવેલામાં ૮૦થી વધુ નુકસાન થયું છે.ખેડૂતોના હાથમાંથી કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. સરકાર દ્વારા કપડવંજ તાલુકાના જેટલા પણ ગામોમાં પાકને નુકસાન થયું હોય તેનું સર્વે કરી સત્વરે વળતર આપવું જોઈએ તેવી પ્રબળ માંગણી કરી છે.
સર્વે કરવાની કામગીરી લગભગ તા.૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે-જિલ્લા ખેતીવાડી અધિકારી ખેડા જિલ્લા ખેતીવાડી અધિકારએ જણાવ્યું હતું કે કૃષિ ભવન ખાતે ખેતી નિયામકને સમગ્ર ખેડા જીલ્લાનો રીપોર્ટ કરી દીધો છે.સંભવિત સર્વે કરવાની કામગીરી ટૂંક સમયમાં થઈ જશે તેમ તેઓએ જણાવ્યું હતું.