મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિવરાત્રિના પાવન પર્વે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતેથી નવનિર્મિત ફ્લાય ઓવરબ્રિજ સહિતના રૂપિયા ૧૩૦.૦૯ કરોડના ૧૭ કામોનું લોકાર્પણ અને રૂપિયા ૨૨૨.૮૯ કરોડના ૧૬ કામોના ખાતમુહૂર્ત મળી કુલ રૂપિયા ૩૫૨.૯૮ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ જિલ્લાવાસીઓના ચરણે ધરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભગવાન શિવજીની ઉપસનાના પર્વે ડાકોરના રણછોડરાયજીના દર્શનના સૌભાગ્યની તક મળી છે, તેમ જણાવી વિશ્વ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
મહિલા દિને જિલ્લાની બહેનોને મોદી સરકાર દ્વારા મળેલા લાભો વર્ણવતા મુખ્મંત્રીએ ઉમેર્યું હતું કે જિલ્લાની ૧.૯૨ લાખ બહેનોને ગેસ કનેક્શન આપી તેઓને ચૂલાના ધુમાડાના ત્રાસથી મુક્ત કર્યા છે. એટલું જ નહિ પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જિલ્લામાં ૬.૮૧ લાખ બેંક ખાતા ખોલવાની સાથે જિલ્લામાં ૭.૩૪ લાખ પરિવારોને આયુષ્માન કાર્ડ આપી તેમને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે.
આ પ્રસંગે ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે મુખ્યમંત્રીના હસ્તે થયેલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ – ખાતમુહૂર્ત દ્વારા મધ્ય ગુજરાતના કેન્દ્રમા ખેડા જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં ખેડા જિલ્લા કલેકટર ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરી શિવરાત્રિના પવિત્ર દિવસે ખેડા જિલ્લાને કરોડોના વિકાસ પ્રકલ્પોની ભેંટ આપવા બદલ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ખેડા જિલ્લાના વિકાસ કાર્યોને આલેખતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પંચમહાલના સાંસદ, જિલ્લાના સર્વ ધારાસભ્ય નડિયાદ પંકજભાઈ દેસાઈ, ઠાસરા ધારાસભ્ય, મહુધા ધારાસભ્ય, મહેમદાવાદ ધારાસભ્ય, માતર ધારાસભ્ય, કપડવંજ ધારાસભ્ય, પૂર્વ મંત્રી, જિલ્લા વિકાસ અધિકારી, અધિક નિવાસી કલેકટર, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખઓ, જિલ્લાના અધિકારી-પદાધિકારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.