આસામમાં રમાયેલ સ્પેશિયલ ઓલમ્પિક બેડમિન્ટન સ્પધૉમાં સિંગલ્સ અને મેન્સ ડબલ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં કપડવંજના ખેલાડીઓને ગોલ્ડ મેડલ
આસામ રાજ્યના ગૌહાટીના સરુસજાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલ ઓલમ્પિક બેડમિન્ટન ભારત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની બેડમિન્ટનની નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા કપડવંજના મનોદિવ્યાંગ ખેલાડી મનન પટેલે બેડમિન્ટન સિંગલ્સ ફાઇનલમાં પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતા સમગ્ર ભારતમાં ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.આ ઉપરાંત બેડમિન્ટન નેશનલ ચેમ્પિયનશિપમાં મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં પણ કપડવંજના ખેલાડીઓએ બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.કપડવંજના મનન પટેલ અને ધૈર્ય પટેલે તમામ ગ્રુપ મેચો અને ફાઈનલમાં વિજય મેળવી ભારતભરમાં માત્ર કપડવંજનો જ નહીં સમગ્ર ગુજરાતનો ડંકો વગાડ્યો હતો.
મનોદિવ્યાંગ ખેલાડી મનન પટેલ અને ધૈર્ય પટેલમાં છુપાયેલી પ્રતિભા અને તેમનામાં રહેલ જોમ અને જુસ્સાને તેના કોચ અને માર્ગદર્શક ડો. જગજીતસિંહ ચૌહાણે ઓળખી તેઓને સઘન તાલીમ આપી તૈયાર કર્યા હતાં.ડો.જગજીતસિંહ ચૌહાણે મનન પટેલ, ધૈર્ય પટેલ સહિત અન્ય મનોદિવ્યાંગ ખેલાડીઓને આઠ દિવસીય કોચિંગ કેમ્પમાં ફિટનેસ અને બેડમિન્ટન સિંગલ્સ અને ડબલ્સ ગેમ્સની વિવિધ સ્કીલ જેવી કે સર્વિસ, સ્મેશ, ડ્રોપ, રેલી, ક્રોસ કોર્ટ પ્લે વગેરેની સઘન તાલીમ આપી તૈયાર કર્યા હતાં.
મનનના માતા- પિતાએ પણ પુત્ર સર્વોચ્ચ સિદ્ધિ મેળવે તે માટે અનેક કષ્ટ વેઠી સંઘર્ષો કર્યા હતાં અને પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હતું. અને આજે એ દિવસ આવી ગયો જ્યારે મનને બધાની અપેક્ષાઓ પૂરી કરી છે. મનને પોતાની રમત,જુસ્સો અને સખત મહેનતથી સાબિત કરી દીધું છે કે જન્મથી આઈડી ધરાવતા બાળકો માટે પણ કંઈ પણ અશક્ય નથી. તેણે સમગ્ર ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. હવે તે આ વર્ષે જર્મની ખાતે યોજાનારી વિન્ટર સ્પેશિયલ ઓલમ્પિક્સ માટેની રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા આતુર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કપડવંજ કેળવણી મંડળ ધ્વારા આ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો હતો. મંડળ ધ્વારા શિક્ષણની સાથે સામાજિક જવાબદારી નિભાવી ભગવાનના સ્વરૂપ દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા આ ખેલાડીઓનો કેમ્પ યોજ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ મનન અને ધૈર્યએ સમગ્ર ભારત દેશમાં કપડવંજનું નામ રોશન કર્યું છે.
સ્પેશિયલ ઓલમ્પિક ભારત એક આંતરરાષ્ટ્રીય સંસ્થાન છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનસિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટે વર્ષ દરમિયાન વિવિધ રમતોની તાલીમ આપી જીલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની રમતો માટે તાલીમબદ્ધ કરવાનો છે. જેનાથી રમતવીરોની શારીરિક માનસિક ક્ષમતામાં અભૂતપૂર્વ વૃદ્ધિ થાય અને સમાજ સાથે રમત-ગમતના માધ્યમથી તાદાત્મ્ય સાધી શકે.
કપડવંજનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારનાર મનન અને ધૈર્યને કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડો. હરીશ કુંડલીયા, મંત્રી અનંત શાહ, અભિજીત જોષી,ગોપાલ શાહ, ઉપપ્રમુખ રસીકભાઇ પટેલ,દાણી ફાઉન્ડેશનના નીલાબેન પંડ્યા, પારેખ બ્રધર્સ સાયન્સ કોલેજના આચાર્ય ડૉ.એ.જે રાવલ, કપડવંજ કેળવણી મંડળના સીઈઓ મૌલિક ભટ્ટે સહિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.