વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસે 25 વર્ષમાં મને અનેકવાર ડરાવવાની કોશિશ કરી પરંતુ હું ડરુ એવો નથી. તેમણે હવે આ પ્રકારના પ્રયાસ બંધ કરી દેવા જોઈએ. તેમણે કહ્યુ કોંગ્રેસમાં બેસેલા લોકોએ ત્યાં સુધી જુઠાણુ ફેલાવ્યુ કે પૂર્વ પીએમ મનમોહનસિંહે એવુ કહ્યુ જ નહોંતુ કે દેશના સંસાધનો પર પહેલો હક્ક મુસ્લિમોનો છે. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યુ કે આ વીડિયો સામે આવ્યા બાબત કોંગ્રેસની પુરી ઈકોસિસ્ટમને સાપ સુંઘી ગયો હોય તેવી સ્થિતિ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની સાથે કેટલાક મીડિયા સમૂહોને પણ આડેહાથ લીધા. પીએ મોદીએ કહ્યુ કે હું નામ લેવા નથી માગતો પરંતુ દિલ્હીના કેટલાક મીડિયા સમૂહોએ પણ કોઈપણ ફેક્ટ ચેક કર્યા વિના મારા મનમોહનસિંહના નિવેદનને જુઠ સાબિત કરી દીધુ અને મોદી પર પ્રહાર કરવા માટે નવા નવા શબ્દોનો શણગાર કરી રહ્યા હતા. પરંતુ આજે હું એ કહેવા માગુ છુ કે એ મીડિયા સમૂહોની પણ વીડિયો સામે આવતા બોલતી બંધ થઈ ગઈ છે.
પહેલા કોંગ્રેસે જુઠ ફેલાવ્યુ કે ક્યારેય ડૉક્ટર મનમોહનસિંહે મુસ્લિમોને લઈને એવુ નિવેદન આપ્યુ જ ન હતુ કે દેશના સંસાધનો પર પહેલો હક્ક મુસલમાનોનો છે.પરંતુ આજે ડૉક્ટર મનમોહનસિંહનો વધુ એક જુનો વીડિયો સામે આવ્યો છે. જેમા ફરી તેઓ એ જ કહી રહ્યા છે કે દેશના સંસાધનો પર પહેલો હક્ક મુસ્લિમોનો છે.
બિહારના અરરિયામાં જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધુ છે કે બેલેટ પેપરનો સમય પાછો નહીં આવે. આજે મતપેટીઓ લૂંટનારાઓને કરારો જવાબ મળ્યો છે. પહેલા અહીં આરજેડી અને કોંગ્રેસના શાસનમાં બેલેટ પેપરના નામ પર લોકોના હક્ક લૂંટવાનું કામ થતુ હતુ.