લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કૈસરગંજ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે રાયબરેલી બેઠકથી દિનેશ પ્રતાપ સિંહ અને કૈસરગંજ બેઠકથી કરણ ભૂષણ સિંહને ટિકિટ આપી છે. કરણ ભૂષણ સિંહ કૈસરગંજ બેઠકના વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નાના પુત્ર છે.
કોણ છે કરણ ભૂષણ સિંહ?
બ્રિજભૂષણના નાના પુત્ર કરણ ભૂષણ નો જન્મ 13 ડિસેમ્બર 1990માં થયો હતો. તે ડબલ ટ્રેપ શૂટિંગમાં રાષ્ટ્રીય ખેલાડી રહી ચૂક્યો છે. તેમજ કરણ ભૂષણ સિંહે ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશ કુસ્તી સંઘના પ્રમુખ છે. જો તેમને ટિકિટ મળશે તો આ તેમની પ્રથમ ચૂંટણી હશે. મળતી માહિતી મુજબ કરણ ભૂષણ ત્રીજી મેના રોજ કૈસરગંજથી ઉમેદવારી નોંધાવી શકે છે.
બ્રિજભૂષણ પર મહિલા રેસલરના જાતીય સતામણીના આરોપ
બ્રિજભૂષણ પર ઘણી મહિલા રેસલર્સે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, આ મામલાની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ સિંહ સામે 6 મહિલા રેસલર્સે લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોને લગતા કેસમાં ‘ચાર્જિસ ઘડવા’ પર આદેશ જાહેર કરવા માટે સાતમી મે, 2024ની તારીખ નક્કી કરી છે. સાંસદ બ્રિજભૂષણ સિંહે પણ તેમના પર લાગેલા તમામ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.