ખેડા લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન, નડિયાદ શહેરમાં નીકળનાર બાઈક રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી હાજર રહેશે
ખેડા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેર અને ગ્રામ્ય એમ બે ઝોનમાં આ રેલી યોજાવાની છે. નડિયાદ શહેરમાં યોજાનાર બાઈક રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ હાજર રહેવાના છે.
આ બાઈક રેલી 5 મેના રોજ રવિવારે સવારે 9કલાકે નડિયાદ વિધાનસભા ચુંટણી મધ્યસ્થ કાર્યાલય વિકેવિ રોડ નડિયાદ મુકામેથી નીકળનાર છે. જેમાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, સહિત મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ જોડાવાના છે. આ બાઈક રેલી ઉપરોક્ત સ્થળેથી નીકળી નક્કી કરેલા રૂટ પર અંદાજીત 6-7 કીમી ફરશે. જે બાદ પારસ સર્કલ મુકામે સમાપ્ત થશે.
આ બાઈક રેલીની માહિતી આપતા ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે, લોકસાભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની આગેવાનીમાં પ્રચાર અર્થે આ બાઈક રેલી નીકળનાર છે. નડિયાદ વિધાનસભાના 13 ગામડાઓ અને કણજરી નગરપાલિકા મળી કુલ 14 ગામડાઓને આવરી લઈને પણ દેવુસિંહ ચૌહાણની આગેવાનીમાં બાઈક રેલી નીકળનાર છે. આમ નડિયાદ શહેર અને નડિયાદ રૂરલ એમ બે ભાગમાં બે બાઈક રેલી નીકળનાર છે. જોકે મુખ્યમંત્રી માત્ર નડિયાદ શહેરમાં યોજાનાર બાઈક રેલીમાં જ હાજરી આપશે તેમ જણાવ્યું છે.