ભાજપને પડકાર ફેંકી શકે એવી એક પણ વ્યક્તિ કે મજબૂત નેતાગીરીના અભાવે કોંગ્રેસની શાખ જ નહીં અસ્તિત્વ બચાવવા માટે મથામણ દેવુસિંહ ચૌહાણની હેટ્રિકની ગેરંટી – ભાજપ
રૂપાલા વિવાદથી કોંગ્રેસની આશાને પાંખો આવી છે. કોંગ્રેસને તો વકરો એટલો નફો થશે પરંતુ તે માત્ર હારજીતનું માર્જિન ઘટાડી શકે છે
સમગ્ર ગુજરાત સાથે ખેડા લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. તા.૭ મે ના રોજ યોજાનાર ખેડા લોકસભાની ચૂંટણી માટે ભાજપના દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસના કાળુસિંહ ડાભી વચ્ચે સીધી ટક્કર છે. અન્ય 10 ઉમેદવારો પણ મેદાનમાં છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કરતા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે બમણાં મત મેળવ્યા હતાં. આ વખતે શરૂઆતમાં પાંચ લાખ પછી સાત લાખની સરસાઈ માટે ભાજપે કાર્યકરોને તર્ક,ગણતરી અને સમજાવટ સાથે લક્ષ આપ્યું છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડાની આ બેઠક પર લડાઈ માત્ર જીતની નહીં, પરંતુ ભાજપ કેટલા માર્જિનથી જીતશે એની ગણતરી ભાજપ સમર્થકો કરી રહ્યા છે. કારણકે 2014 માં 2.32 લાખ અને 2019 માં 3, 67 ના મોટા માર્જિનથી આ બેઠક ભાજપે કબજે કરી હતી.
ખેતી અને પશુપાલન પર આધારિત સમગ્ર ખેડા લોકસભા છેલ્લી બે ચૂંટણી ભાજપ જીત્યું છે અને આ લોકસભાની સાતે સાત વિધાનસભા પણ ભાજપ પાસે હોવાથી કોંગ્રેસ માટે શાખ જ નહીં પણ અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ બની ગઈ છે. કોંગ્રેસ પાસે અહીં જનાધાર દેખાતો નથી અને તેની પાસે મજબૂત નેતાગીરી પણ નથી જે ભાજપને પડકાર ફેંકી શકે. એક લીટીમાં કહીએ તો કોંગ્રેસ બધી જ રીતે વામન અને ભાજપ વિરાટ સાબિત થાય છે.
સમગ્ર લોકસભાનું ચૂંટણી ચિત્ર જોઈએ તો ભાજપના દેવુસિંહ ચૌહાણ પાસે નરેન્દ્ર મોદી નામનું બ્રહ્માસ્ત્ર છે. જ્ઞાતિ જાતિ કે ધર્મના સમીકરણ કરતા કમળનું ચિન્હ અને નરેન્દ્ર મોદીની આભાને મતદારો પહેલી પસંદગી કરે છે. ઉપરાંત ગત દશ વર્ષમાં પ્રજા સાથેનો દેવુસિંહનો સંપર્ક, પ્રવાસ અને ભાજપનું બુથ લેવલ અને પેજ સમિતિ સુધીનું માઇક્રો મેનેજમેન્ટ અને કાર્યકરોની વિશાળ ફોજ તેમનું જમા પાસું છે. અને ભાજપના કાર્યકરોએ ચૂંટણી હોય કે ના હોય ઠંડી,ગરમી,વરસાદમાં પ્રજા સાથે સતત સંપર્કમાં રહી રેશનકાર્ડ કઢાવવાથી આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના જેવી યોજનાઓ અપાવી છે. ભાજપના આ જ કાર્યકરો મતદાર યાદીમાં નામ શોધવું હોય, ચૂંટણી ઓળખકાર્ડ કઢાવવું હોય એવી દરેક મદદ પૂરી પાડે છે. જેની સીધી અસર તમામ ચૂંટણીના પરિણામો પર સૌએ જોઈ છે. ઉપરાંત આ લોકસભામાં આવતી સાત વિધાનસભા નડિયાદ, કપડવંજ, મહુધા, માતર, મહેમદાવાદ, ધોળકા અને દસ્ક્રોઇ તમામે તમામ વિધાનસભા ભાજપ પાસે છે. ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપનું જ પ્રભુત્વ છે. પશુપાલકો અને ખેડૂતોને મદદરૂપ બનતી જિલ્લાની બે મોટી સહકારી સંસ્થાઓ અમુલ અને જિલ્લા સહકારી બેંક પણ ભાજપ પાસે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ હજુ પણ ભાજપ માટે પ્લસ પોઇન્ટ છે. મતદારો મોદીની ગેરંટી શબ્દ પર વિશ્વાસ કરવા તૈયાર છે. અયોધ્યા રામ મંદિર,કલમ 370 ની નાબુદી, સર્જીકલ – એર સ્ટ્રાઈક, અર્થતંત્રમાં વૃદ્ધિ, ચીન, પાકિસ્તાન પર દબાણ, વિકસિત ભારત, હિંદુત્વની એકતા જેવા મુદ્દાઓ ભાજપની સૌથી મોટો ટોનીક છે. અને સામે પક્ષે આ જ મુદ્દાઓના કારણે કોંગ્રેસને ઉમેદવાર શોધવાના ફાંફા પડી જાય છે.
ક્ષત્રિય મત બેંકનું પ્રભુત્વ ધરાવતી આ ખેડા લોકસભામાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વણિક બિમલ શાહની સામે ભાજપમાંથી ક્ષત્રિય દેવુસિંહ ચૌહાણ આસાન વિજય મેળવ્યો હતો. જો કે આ વખતે ભાજપના દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવાર કાળુસિંહ ડાભીને મેદાનમાં ઉતાર્યા છે.પણ કાળુસિંહ સહિત આ બેઠક પર કોંગ્રેસ પાસે એક પણ ક્ષત્રિય કે અન્ય કોઈ મજબૂત આગેવાન નથી જે આ લોકસભામાં જાણીતો ચહેરો હોય. અથવા તો લોકસભાથી પરિચિત હોય. કોંગ્રેસના કાળુસિંહ ડાભી કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે અને લાંબી રાજકીય કારકિર્દી પણ ધરાવે છે. ઉપરાંત સરળ સ્વભાવ તેમનું જમા પાસું છે.ખેડા લોકસભામાં રૂપાલા વિવાદે શરૂઆતના સમયમાં વિરોધ દર્શાવ્યો હતો અને આવેદનપત્રો પણ આપ્યા હતાં. કોંગ્રેસના કાળુસિંહ ડાભીને ક્ષત્રિય હોવાથી રૂપાલા વિવાદનો લાભ મળી શકે છે. રૂપાલા વિવાદથી કોંગ્રેસની આશાને પાંખો આવી છે. કોંગ્રેસને તો વકરો એટલો નફો થશે પરંતુ તે માત્ર હારજીતનું માર્જિન ઘટાડી શકે છે.
ઉપરાંત આઝાદી પછી આ બેઠક પર ભાજપે માત્ર ત્રણ જ વાર વિજય મેળવ્યો છે. જેને યાદ કરી કોંગ્રેસ વિજયના સપના જોઈ શકે છે. સાથે સાથે સ્થાનિક લેવલે ભ્રષ્ટાચાર, શહેરી મતદારોની નિરસતા, ગ્રામ્ય મતદારોના પડતર પ્રશ્નો તથા રૂપાલા વિવાદ ભાજપની સરસાઈ ઘટાડી શકે છે.કોંગ્રેસને હરહંમેશની જેમ મુસ્લિમ મતદારો ઉપર સો ટકા ભરોસો છે જ્યારે આ વર્ષે ભાજપ પણ મુસ્લિમો પોતાની તરફે મતદાન કરશે તેઓ આશાવાદ છે. જિલ્લાના ભાજપ સમર્થકો દેવુસિંહ ચૌહાણ હેટ્રિકની ગેરંટી આપી રહ્યા છે.ભાજપને પુનરાવર્તનનો વિશ્વાસ અને કોંગ્રેસને પરિવર્તનની આશા છે.
લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત યાદવના નેતૃત્વ હેઠળ વહીવટી તંત્ર પર સજાગ થઈ ગયું છે. ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તમામ વ્યવસ્થાનું આગોતરું અને સુચારુ આયોજન ગોઠવ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગ દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં.