આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે.
ત્રીજા તબક્કામાં કુલ 1300થી વધુ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં
ત્રીજા તબક્કામાં કુલ 1351થી વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે, જેમાં 120 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જે મોટા નેતાઓ ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં ગાંધીનગરથી અમિત શાહ, મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજગઢથી દિગ્વિજયસિંહ, મહારાષ્ટ્રના બારામતી બેઠક પરથી એનસીપી વડા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલ અને તેની સામે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યા છે.
મધ્યપ્રદેશમાં આ બે નેતાઓ વચ્ચે ટક્કર
ત્રીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે
દરમિયાન ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને આદેશ આપ્યો હતો કે ત્રણ કલાકની અંદર સોશિયલ મીડિયા પરથી પોતાની તમામ ફેક માહિતીને હટાવી લેવામાં આવે. પ્રચાર પડઘમ શાંત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવામાં આવતો હોય છે. જે દરમિયાન અનેક ફેક વીડિયો સહિતની કન્ટેન્ટ શેર કરવામાં આવતી હોય છે. ચૂંટણી પંચે આવી ફેક કે જુઠી માહિતીની નોંધ લઇને આ આદેશ આપ્યો હતો. તાજેતરમાં જ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી, અભિનેતા આમિર ખાન, રણવીરસિંહનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. જેને હટાવી લેવાયા છે અને સાથે જ શેર કરનારાઓની સામે ક્રિમિનલ ફરિયાદ પણ થઇ છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની મદદથી ડીપફેક વીડિયો ના બનાવવા અને તેને જાહેર ના કરવાની ચેતવણી આપી હતી. જો કોઇ પણ નેતા કે પક્ષ દ્વારા આ આદેશનો ભંગ કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરાશે. નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં 102, બીજા તબક્કામાં 89 અને હવે ત્રીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જે સાથે જ લોકસભાની કુલ 283 બેઠકોનું મતદાન પૂર્ણ થઇ જશે.
પ્રથમ બે તબક્કામાં મતોની સંખ્યામાં વધારો થયો
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાન અંગે જોડાયેલી ચિંતાને નકામી ગણાવતા જણાવ્યું હતું કે નાખવામાં આવેલા મતોની તુલના કરવી તે મતદાન વિશ્લેષણની યોગ્ય પદ્ધતિ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે વાસ્તવમાં પ્રથમ બે તબક્કામાં નાખવામાં આવેલા મતોની સંખ્યામાં 0.4 ટકાનો વધારો થયો છે. ઘોષે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ વખતે થઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ બે તબક્કામાં ઘટેલા મતદાન અંગે ચાલતી ચર્ચા બિનજરુરી છે. વાસ્તવમાં નાખવામાં આવેલા મતોની કુલ સંખ્યાને માપવાની યોગ્ય પદ્ધતિ મતદારોની કુલ સંખ્યા છે. આમ અગાઉની ચૂંટણીના વોટરોની તુલનાએ આ વખતે વોટરોની વધેલી સંખ્યાની ટકાવારીના સંદર્ભમાં મતદાન કેટલું થયું તે જોવું જોઈએ.
2019ની તુલનામાં 3.1 ટકા ઓછું મતદાન
ચૂંટણીપંચ બાકીના કારણોમાં મતદાનની ટકાવારી વધારવામાં લાગેલું છે. 16મા નાણા પંચના સભ્ય ઘોષે જણાવ્યું હતું કે 2019ની તુલનામાં 3.1 ટકા ઓછું મતદાન છે. તેમણે જણાવ્યું કે ચૂંટણીના પછીના તબક્કામાં મતદાન વધી શકે છે. તેમા જે આકાર એટલે કે સ્થિર દર પછી ઝડપી વૃદ્ધિ જોવાશે. અહેવાલ મુજબ 2019માં થયેલા મતદાનમાં સાતેય તબક્કામાં ઘટાડો જોવા મળ્યો હતો. તે શરુઆતમાં 69.4 ટકા હતુ, અંતે 61.4 ટકા પર બંધ આવ્યુ હતુ. આ વખતે સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી શકે છે. પ્રથમ બે તબક્કામાં મતદાન થતાં બાકીના તબક્કાના મતદાનમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે.