કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ થોડા દિવસો પહેલા ‘વારસાગત ટેક્સ’ને લઈને એક ટિપ્પણી કરી હતી. જેના પર ખૂબ વિવાદ થયો હતો. આ વિવાદ હજુ પુરો થયો નથી, ત્યા હવે કોંગ્રેસ નેતાએ ભારતીય લોકોના દેખાવને લઈને એક નિવેદન આપ્યું છે. જેના પર પણ વિવાદ થયો છે. ત્યારે હવે વડાપ્રધાન મોદીએ પણ પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે.
#WATCH | Addressing a public gathering in Warangal, Telangana, PM Modi says "…'Shehzade aapko jawaab dena padega'. My country will not tolerate the disrespect of my countrymen on the basis of their skin colour and Modi will never tolerate this…" pic.twitter.com/e22GgRbctj
— ANI (@ANI) May 8, 2024
વડાપ્રધાન મોદીના સામ પિત્રોડા પર આકરા પ્રહાર
તેલંગાણાના વારંગલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘આજે હું ખૂબ ગુસ્સામાં છું. શહેજાદાના એક અંકલે આજે એવા અપશબ્દ કહ્યા કે જેનાથી મને ગુસ્સો આવી ગયો. જે લોકો બંધારણને માથે રાખે છે તેઓ દેશની ચામડીનું અપમાન કરી રહ્યા છે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, ‘શહેજાદાના એક અંકલ અમેરિકામાં રહે છે. આ અંકલ શહેજાદાના ફિલોસોફિકલ ગાઈડ છે, જે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે, અને જો કોઈ મૂંઝવણ હોય તો અમ્પાયરને પૂછે છે, તેવી જ રીતે જ્યારે શહેજાદાને કોઈ મૂંઝવણ હોય ત્યારે તે થર્ડ પ્લેયર પાસેથી સલાહ લે છે. શહેજાદાના અંકલે એક મોટું રહસ્ય ખોલ્યું છે. આ અંકલે કહ્યું છે કે ‘જેમની ચામડીનો રંગ કાળો છે, તે બધા આફ્રિકાના છે.’
પીએમ મોદીએ રાહુલ ગાંધીને આડે હાથ લીધા
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો ઉલ્લેખ કરતા વધુમાં કહ્યું હતું કે ‘અમારા કાર્યકાળમાં અમે આદિવાસી દીકરી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવી પરંતુ કોંગ્રેસે આનો જોરદાર વિરોધ કર્યો. હું ઘણું વિચારી રહ્યો હતો કે દ્રૌપદી જી, જે ખૂબ જ સારી પ્રતિષ્ઠા ધરાવે છે, આદિવાસી સમુદાયની પુત્રી છે. અમે તેમને રાષ્ટ્રપતિ બનાવી રહ્યા છીએ તો કોંગ્રેસ તેમને હરાવવા માટે આટલી મહેનત કેમ કરી રહી છે? હું સમજી ન શક્યો. મને લાગતું હતું કે શહેજાદા પાસે આવા જ વિચાર હશે અને તેથી જ તે વિરોધ કરી રહ્યા છે, પરંતુ આજે મને ખબર પડી કે કોંગ્રેસ પાર્ટી મૂર્મુને હરાવવા મેદાનમાં કેમ ઉતરી હતી.’
રંગના આધારે દેશવાસીઓનું અપમાન દેશ સહન કરશે નહીં : પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ ચૂંટણીના સંબોધન દરમિયાન સામ પિત્રોડા પર આકરા પ્રહાર કરતા વધુમાં કહ્યું હતું કે ‘જેમની ચામડીનો રંગ કાળો છે, શું તે બધા આફ્રિકાના છે? તેઓએ ચામડીના રંગના આધારે મારા દેશના લોકોને અપશબ્દ કહ્યા છે. અરે, ચામડીનો રંગ ભલે ગમે તેવો હોય, આપણે શ્રી કૃષ્ણની પૂજા કરનારા લોકો છીએ. શહેજાદાએ જવાબ આપવો પડશે. ચામડીના રંગના આધારે મારા દેશવાસીઓનું અપમાન દેશ સહન કરશે નહીં અને મોદીતો ક્યારેય સહન કરશે નહીં.’
સામ પિત્રોડાએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે ‘આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ.’ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પાર્ટીના અધ્યક્ષે એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ દેશ ખૂબ જ વૈવિધ્યસભર છે, બધા એક સાથે પ્રેમથી રહે છે.’ પરંતુ તેણે દેશને મેસેજ આપવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેને લઈને નવો વિવાદ ઉભો થયો છે.