ચાર મહિના પહેલાં ભારત સામે ફૂંફાડા મારતું માલદીવ્સ બધો તોર છોડીને ભારતના પગમાં આળોટી ગયું છે. એક તરફ માલદીવ્સના પ્રવાસન મંત્રી ઈબ્રાહિમ ફૈઝલે ભારતીયોને માલદીવ્સની મુલાકાત લેવા રીતસરની આજીજી કરી છે તો બીજી તરફ ભારતની યાત્રાએ આવેલા માલદીવ્સના વિદેશ મંત્રી શામ મૂસા જમીરે ભારત-માલદીવ્સના જૂના સંબંધોની દુહાઈ આપીને ભારત સાથે દોસ્તીની વાતો કરવા માંડી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માલદીવ્સનાં મંત્રી માલશા શરીફે જોકર અને ઈઝરાયલની કઠપૂતળી ગણાવીને ગંદી કોમેન્ટ કરી તેના કારણે ભારતીયોનો આક્રોશ ફાટી નિકળેલો.
માલશાના રવાડે ચડીને બીજાં બે મંત્રીઓ મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમ માજિદે પણ ભારત વિશે ખરાબ કોમેન્ટ્સ કરી તેના પગલે ભારતીયોએ સોશિયલ મીડિયા પર બોયકોટમાલદીવ્સ હેશ ટેગ સાથે ૭ જાન્યુઆરીથી ઝુંબેશ શરૂ કરેલી. ભારતની સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય લોકો સુધીનાં બધાંએ માલદીવ્સ સામે આક્રોશ ઠાલવીને ફરવા જવા માટે માલદીવ્સ નહીં જવાનું અભિયાન છેડી દીધેલું.
માત્ર ચાર મહિનામાં આ અભિયાનની અસર વર્તાઈ છે અને ૨૦૨૪ના જાન્યુઆરીથી એપ્રિલ સુધીના પહેલા ચાર મહિનામાં જ માલદીવ્સમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ૪૦ ટકાનો તોતિંગ ઘટાડો થઈ ગયો છે. માલદીવ્સના પ્રવાસ મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે, ૨૦૨૩માં જાન્યુઆરીથી એપ્રિલ સુધીના પહેલા ચાર મહિનામાં ભારતથી માલદીવ્સ ગયેલા પ્રવાસીઓની સંખ્યા ૭૩,૭૮૫ હતી.
હવે ૨૦૨૪માં જાન્યુઆરીથી એપ્રિલના ૨૦૨૪ના ચાર મહિનામાં ભારતમાંથી ૪૩,૯૯૧ પ્રવાસી માલદીવ્સ ગયા છે. મતલબ કે, ગયા વર્ષની સરખામણીમાં ચાર મહિનામાં ૩૦ હજાર જેટલા ભારતીય પ્રવાસી ઓછા આવ્યા છે. લગભગ ૪૪ હજાર જેટલા ભારતીય માલદીવ્સ ગયા તેનું કારણ એ કે, માલદીવ્સના મંત્રીઓએ કરેલા લવારાના બહુ પહેલાં નવેમ્બર-ડીસેમ્બરમાં હજારો ભારતીયોએ બુકિગં કરાવી લીધેલાં.
આ બુકિંગ કેન્સલ કરાય તો મોટો ફટકો પડે એટલે ભારતીયો ગયા તેમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બહિષ્કારની બહુ અસર ના વર્તાઈ પણ હવે અસર વર્તાવા માંડી છે તેમાં માલદીવ્સની ફેં ફાટવા માંડી છે. ૨૦૨૩માં માલદીવ્સમાં સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાંથી આવ્યા હતા પણ ૨૦૨૪ના પહેલા ચાર મહિનામાં પ્રવાસીઓની સંખ્યામાં ભારતીયો છઠ્ઠા સ્થાને છે.
આ તો પાછી શરૂઆત છે. ભારતમાં ઉનાળાનું વેકેશન પડી ગયું છે પણ માલદીવ્સ માટે એટલાં બુકિંગ જ નથી થયાં એ જોતાં આ વરસે માલદીવ્સ જનારા ભારતીયોનો આંકડો લાખ પર પણ પહોંચશે કે કેમ તેમાં શંકા છે. માલદીવ્સ ટુરિઝમે બહાર પાડેલા આંકડા પ્રમાણે, ૨૦૨૨માં ૨.૪૦ લાખ ભારતીયો માલદીવ્સ ફરવા ગયેલા જ્યારે ૨૦૨૩માં કુલ ૨.૦૯ લાખથી વધારે ભારતીયો વેકેશન માણવા માલદીવ્સ આવેલા.
હવે આ આંકડો સીધો લાખ પર આવી જાય તો માલદીવ્સના અર્થતંત્રનાં પાટિયા બેસી જાય કેમ કે ટુરિઝમ આધારિત માલદીવ્સની ઈકોનોમી સંપૂર્ણપણે ભારતીયો પર નિર્ભર છે. માલદીવ્સ આવતા વિદેશી પ્રવાસીઓમાંથી ૧૦ ટકાથી વધારે પ્રવાસી એકલા ભારતથી આવે છે તેથી ભારતીયોની નારાજગી માલદીવ્સને પરવડે તેમ જ નથી.
ભારતમાંથી બોલીવુડની સેલિબ્રિટીઝ છેલ્લા કેટલાક સમયથી વેકેશન ગાળવા નિયમિત રીતે માલદીવ્સ જતી હતી તેથી ભારતીયોમાં છેલ્લા એકાદ દાયકાથી માલદીવ્સનો ક્રેઝ વધ્યો હતો.
માલદીવ્સમાં ૧૭૦ જેટલા વર્લ્ડ ક્લાસ રીસોર્ટ અને ૯૦૦ જેટલાં ગેસ્ટ હાઉસ છે. મોટા ભાગના રીસોર્ટ એક ટાપુ પર એક જ રીસોર્ટ હોય એવા છે ને આ રીસોર્ટ વિદેશી રોકાણમાંથી ઉભા કરાયેલા છે. આ રીસોર્ટના કારણે હજારો લોકોને રોજગારી મળે છે. માલદીવ્સની જીડીપીમાં ટુરિઝમનો ફાળો ૬૦ ટકાની આસપાસ છે અને ૭૦ ટકા નોકરીઓ ટુરિઝમ સાથે જોડાયેલી છે. ટુરિઝમમાંથી માલદીવ્સ દર વરસે ૪ અબજ ડોલર (લગભગ ૩૩ હજાર કરોડ રૂપિયા)ની કમાણી કરે છે. એક લાખ ભારતીયો ઓછા જાય એટલે તેમાં ૫ ટકાનો ઘટાડો થઈ જાય. માલદીવ્સ જેવા ટચૂકડા દેશને ૧૭૦૦ કરોડ રૂપિયાનો ફટકો ના પરવડે.માલદીવ્સે ચીનને ઘૂસાડીને ભારતની સુરક્ષા સામે ખતરો ઉભો કર્યો છે ત્યારે માલદીવ્સને પાછું પડખામાં લઈને ભારત એ ખતરો હટાવી શકે છે. ચીનનો માલદીવ્સમાં પગપેસારો થઈ જાય તો ચીન ભારતને ત્રણ તરફથી ઘેરી શકે છે. ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) દ્વારા પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી આવી ગયેલું ચીન માલદીવ્સ પર કબજો કરીને ભવિષ્યમાં ચીન ભારતને દરિયાઈ માર્ગે પણ પરેશાન કરી શકે.
ચીન દરિયામાં ખંડણીખોરી કરવા માટે કુખ્યાત છે તેથી ભારતનાં જહાજોને પણ પરેશાન કરી શકે છે. ચીન અને પાકિસ્તાન એક છે તેથી માલદીવ્સના રસ્તે પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદી ભારતમાં ઘૂસી શકે.
માલદીવ્સને પડખામાં લઈને ભારત એક કાંકરે બે પક્ષી મારી શકશે. પહેલું એ કે, ભારતની સુરક્ષા સામેના ખતરાને ટાળી શકશે અને બીજું એ કે, ચીનને તેની હૈસિયત બતાવી શકશે.
ચીને પેટમાં ઘૂસીને પગ પહોળા કરતાં માલદિવ્સ ગભરાયું
માલદીવ્સ ચીનને છોડીને ફરી ભારત સાથે દોસ્તી કરવા ઉંચુંનીચું થઈ રહ્યું છે તેનું કારણ ચીનની સામ્રાજ્યવાદી માનસિકતા છે. ચીન જે દેશમાં ઘૂસે ત્યાં પેટમાં ઘૂસીને પગ પહોળા કરવામાં માને છે. એક વાર ઘૂસ્યા પછી ચીન તે દેશના પ્રદેશો પર કબજો કરવાની હલકી માનસિકતા ધરાવે છે. માલદીવ્સનાં ૨૬માંથી ૧૬ ટાપુ પર લશ્કરી થાણાં સ્થાપીને ચીને એ જ માનસિકતા બતાવવા માંડી છે તેથી માલદીવ્સ ડરી ગયું છે.
ચીનની બીજાંનું પચાવી પાડવાની માનસિકતા સામે ભારત મજબૂત સંબંધોમાં માને છે. ભારત અને માલદીવ્સ વચ્ચેના દાયકાઓના સંબધો છતાં ભારતે કદી માવદીવ્સના વિસ્તારો પચાવી પાડવાની માનસિકતા બતાવી નથી કે માલદીવ્સનો આર્થિક ફાયદો લીધો નથી. ભારતનું લશ્કર માલદીવ્સમાં ગયું પણ સુરક્ષા સિવાય બીજી પંચાતમાં પડયું નથી. આ કારણે ભારત વધારે વિશ્વાસપાત્ર સાથી છે તેનો માલદીવ્સને અહેસાસ થયો છે.
ભારતને જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે સારા સંબંધો છે જ્યારે ચીનને નથી. માલદીવ્સને જાપાન અને ઓસ્ટ્રેલિયાની પણ ગરજ છે કેમ કે અનાજ, ફળો સહિતની જરૂરીયાતો આ દેશો પૂરી પાડે છે. માલદીવ્સ ચીનની નજીક જતાં આ દેશો પણ માલદીવ્સથી દૂર થયા છે.
માલદિવ્સમાં 98 ટકા વસતી મુસ્લિમોની
માલદીવ્સમાં બહુમતી મુસ્લિમો છે તેના કારણે માલદીવ્સમાં ભારત વિરોધી માહોલ ઉભો કરાયો છે. માલદીવ્સમાં કુલ વસતીના ૯૮ ટકાથી વધારે મુસ્લિમ છે અને બધા સુન્ની છે. એકાદ ટકા ખ્રિસ્તી છે અને અડધો ટકાની આસપાસ બીજાં ધર્મનાં લોકો છે. તેનો લાભ લઈને કટ્ટરવાદીઓએ ભારત વિરોધી માહોલ પ્રબળ બનાવ્યો પણ ધીરે ધીરે લોકોને અહેસાસ થયો છે કે, કટ્ટરવાદના કારણે નુકસાન છે.
કટ્ટરવાદના કારણે પાકિસ્તાન સહિતના દેશોમાં પ્રવાસન ઉદ્યોગ ઝીરો છે. બીજી તરફ સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશો વિદેશી પ્રવાસીઓને આકર્ષવા ઉદારમત અપનાવી રહ્યા છે. માલદીવ્સ તો સંપૂર્ણપણે ટુરિઝમ પર આધારિત દેશ છે. માલદીવ્સમાં અત્યાર સુધી આતંકવાદી હુમલા કે બીજી ઘટનાઓ નથી બનતી પણ કટ્ટરવાદનો પ્રભાવ વધે તો એવી ઘટનાઓ વધે ને ટુરિઝમ બેસી જાય. તેથી કટ્ટરવાદના કારણે પ્રવાસીઓ દૂર થાય એ તેને પરવડે જ નહીં.