ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ મહેમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પંચમુખી હનુમાન મંદિરેથી ઢળતી સંધ્યા પૂર્વે નીકળેલી એક ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરીને મહેમદાવાદના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચી હતી. જ્યાં મંદિરના આયોજકો દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓ અને ભગવાન પરશુરામનું ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે મંદિરના આયોજકો દ્વારા તમામ ભૂદેવના ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે બ્રહ્મ સમાજની એકતાના શહેરમાં ઉત્તકૃષ્ટ દર્શન થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર તરીકે તથા પૃથ્વીને એક 21’વાર આતતાયી તત્વોથી મુક્ત કરનાર તથા રામાયણ, મહાભારત, પુરાણોમાં જેમનો સર્વશ્રેષ્ઠ ઉલ્લેખ કરાયો છે. તેવા કર્મે ક્ષત્રિય અને જન્મે બ્રાહ્મણ પરશુરામ ભગવાન ચિરંજીવી છે. ભવિષ્યમાં કલ્કી અવતારમાં પણ તેઓ કલ્કી ભગવાનના ગુરુ તરીકે ગણાવાયા છે તેવા પરશુરામ ભગવાનનું હળવદમાં એક શિખરબંધી મંદિર પણ છે. તેઓની ભવ્ય શોભાયાત્રા આજે મહેમદાવાદના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યોજવામાં આવી હતી.
આ યાત્રા પંચમુખી હનુમાનજી મંદિરેથી પ્રારંભ થઈને, વિરોલ દરવાજા, જવાહર બજાર, નડીઆદી દરવાજા,બેન્ક રોડ,કચેરી દરવાજા થઈને સિધ્ધિ વિનાયક ગણેશ મંદિરે પહોંચી હતી. જ્યાં મંદિરના આયોજકો અને મેનેજર ઉજ્જવલ ભટ્ દ્વારા ભગવાન પરશુરામની દિવ્ય આરતી સાથે સ્વાગત કરાયું હતું અને સૌ બ્રહમ સમાજના અગ્રણીઓને પણ ફૂલહારથી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ સમગ્ર મહેમદાવાદ શહેરના સૌએ સિદ્ધિવિનાયક મંદિર દ્રારા આયોજીત સમુહભોજન પ્રસાદી લીધી હતી.