આજે રોકાણ માટે પારંપારિકથી માંડી આધુનિક વિકલ્પો ઉપલ્બધ છે. જેમાં મોટાભાગના લોકોની માન્યતા છે કે, વધુ રિટર્ન મેળવવુ હોય તો શેરબજારમાં જ રોકાણ કરવુ પડે. પરંતુ વાસ્તવમાં શેરબજાર સિવાય ઓછુ જોખમ ધરાવતા અન્ય રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે. જેમાં તમે બેન્ક એફડી કરતાં વધુ અને નિશ્ચિત રિટર્ન મેળવી શકો છો. આજે આપણે આ વિકલ્પોમાંથી કોર્પોરેટ બોન્ડની વાત કરવાના છીએ.
શું છે કોર્પોરેટ બોન્ડ?
કોર્પોરેટ બોન્ડ એ એક પ્રકારની લોન છે. કંપનીઓ ફંડ એકત્ર કરવા માટે બોન્ડ જારી કરે છે. જેમાં રોકાણકારોને નિશ્ચિત રેટમાં વ્યાજ મળે છે. બોન્ડની મેચ્યોરિટી બાદ રોકાણકારોને રોકાણ પાછું મળે છે. કોર્પોરેટ બોન્ડ અનેક પ્રકારના છે. જેમાં સામાન્ય બોન્ડ, ટેક્સ ફ્રી AAA રેટિંગ ધરાવતા પીએસયુ બોન્ડ્સ અને પર્પેન્ચ્યુઅલ બોન્ડ સામેલ છે. જેમાં સરેરાશ 8થી 30 ટકા સુધી રિટર્ન મળે છે.
કંપનીઓ પબ્લિક ઈશ્યૂ અંતર્ગત બોન્ડ જારી કરે છે. તમે બ્રોકર મારફત સ્ટોક એક્સચેન્જીસ (NSE/BSE) પરથી બોન્ડ ખરીદી શકો છો. પરંતુ તેમાં લિક્વિડિટી, ઉપલબ્ધતા અને પ્રભાવી રિટર્ન સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં લેવાના હોય છે. ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ મારફત પણ બોન્ડ કરી શકો છો. કોર્પોરેટ બોન્ડમાં વોલ્યૂમ ઓછા અને ટ્રાન્જેક્શન સાઈઝ વધુ હોય છે. જેથી મોટાભાગે મ્યુચ્યુઅલ ફંડ્સ, બેન્ક અને ઈન્સ્યોરન્સ કંપનીઓ જેવા મોટા રોકાણકારો આ બોન્ડની ખરીદી કરે છે. જો કે, સેબીના નિયમોમાં ફેરફાર થતાં હવે રિટેલ રોકાણકારો પણ ખરીદી કરી શકે છે.
રૂ. 10000ના રોકાણથી કરો શરૂઆત
રિટેલ રોકાણકારો કોર્પોરેટ બોન્ડમાં રૂ. 10 હજારના રોકાણથી શરૂઆત કરી શકે છે. અગાઉ ઓછામાં ઓછું રૂ. 1 લાખનું રોકાણ કરવુ પડતુ હતું. પરંતુ સેબીએ આ મર્યાદા ઘટાડી રૂ. 10 હજાર કરી છે. જે રિટેલ રોકાણકારોને પણ મબલક રિટર્ન કમાવવાની તક આપે છે.
ટેક્સ
છેલ્લા એક વર્ષથી ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઈન્ડેક્સેશન બેનેફિટનો લાભ મળતો નથી. એક વર્ષ બાદ વેચવામાં આવેલા લિસ્ટેડ બોન્ડ્સ પર થતા નફા પર હાલ 10 ટકા લાગૂ છે. તેમજ મેચ્યોરિટી પહેલા રોકાણ પાછું ખેંચવા પર વધુ ટેક્સ ચૂકવવો પડે છે.
કોર્પોરેટ બોન્ડમાં રિટર્ન
કોર્પોરેટ બોન્ડ શેરબજાર કરતાં ઓછુ જોખમ ધરાવે છે. જેમાંથી કેટલીક કંપનીઓ દ્વારા જારી કોર્પોરેટ બોન્ડમાં જોખમનું પ્રમાણ નહિંવત્ત હોય છે. જેની મેચ્યોરિટી 4 વર્ષ સુધી હોઈ શકે છે. જેમાં 8થી 15 ટકાની સરેરાશમાં રિટર્ન મળે છે. હાઈ રેટિંગ ધરાવતા કોર્પોરેટ બોન્ડમાં વધુ રિટર્ન મળી શકે છે.