કપડવંજ તાલુકાના અંતીસરથી કાપડીવાવ તરફ જતા જીઆરડી જવાન બનાના મુવાડા પાસેથી પસાર થતા તેમનું બાઈક સ્લીપ થઈ જતા કપડવંજ, નડિયાદ અને અમદાવાદ મળીને કુલ-૪ હોસ્પિટલમાં ફર્યા બાદ અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતાં ત્યાં તેમનું મોત નિપજ્યું હતું.
કપડવંજ તાલુકાના વડોલ ગામના પ્રદીપભાઈ કાળીદાસ પરમારના કાકાના દીકરા ચંદ્રકાંતભાઈ મીઠાભાઈ પરમાર (આ.ઉ.વ.૪૯) કે જેઓ ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા હતા.ચંદ્રકાંતભાઈ ગત તા. ૧૯ મેના રોજ પોતાનું બાઈક નં.જીજે ૧૬ એ એમ ૦૪૦૩ લઈને અંતીસર ગામથી વડોલ ગામ તરફ આવતા હતા, તે સમયે બનાના મુવાડા પાટિયા પાસે પોતાના બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી તેઓ રોડ ઉપર પટકાયા હતા. તેથી તેમણે કાપડીવાવ ખાતે ખાનગી દવાખાનામાં સારવાર કરાવી ઘેર આવ્યા હતા.જ્યાં ખબર-અંતર પુછવા આવેલા પ્રદીપભાઈએ ઈજાગ્રસ્ત ચંદ્રકાંતને પુછતા તેમણે જણાવ્યું હતું કે મને પેટમાં બહુ દુ:ખે છે.જેથી તેમને તુરંત કપડવંજની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.જ્યાં જરૂરી રીપોર્ટ કરાવી કપડવંજની બીજી એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડયા હતા.જ્યાં ડોક્ટર હાજર ના હોય તેમને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.પરંતુ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં પણ ડૉક્ટર હાજર નહીં હોવાથી જીઆરડી જવાનને તા.૨૦ મે ના રોજ રાત્રિના સુમારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ ગયા હતા.તા.૨૧ મે ના રોજ તેમને આંતરડામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી દાખલ કર્યા બાદ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સારવાર માટે દાખલ હતા ત્યારે તા.૨૨ મે ના રોજ તેમનું મોત નિપજ્યું હતું.