લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર દેશમાં 4 જૂનના રોજ મત ગણતરી થનાર છે. ત્યારે મતગણતરી પ્રક્રિયામાં જિલ્લાના ચૂંટણી કામગીરી સાથે જોડાયેલ અધિકારીઓને તાલીમબદ્ધ કરવાના આશય સાથે અધિક નિવાસી કલેક્ટર ભરત જોષીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓની પોસ્ટલ બેલટ ગણતરી અંગેની તાલીમ યોજાઈ હતી. આ એડીશનલ મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલટ મત ગણતરી પ્રક્રિયામાં કરવામાં આવનાર કામગીરી બાબતે તાલીમ આપી તેમને મુંઝવતા પ્રશ્નોનું સમાધાન આપવામાં આવ્યું.
મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, કપડવંજ અનિલ ગૌસ્વામી દ્વારા પોસ્ટલ બેલટ મત ગણતરી અંતર્ગત ડોક્યુમેન્ટ્સ ચકાસણી, ડેકલેરેશન ફોર્મ, માન્ય એકરાર ધરાવતું કવર, વેલીડ વોટ ગણવા માટેના માપદંડો, ગોપનીયતાના સિદ્ધાંતનું પાલન, વોટ રીજેક્શન માટેના કારણો અને જોગવાઈઓ સહિતની મતગણતરી પ્રક્રિયાને સરળ શબ્દોમાં સમજૂતી આપવામાં આવી હતી.