રાજ્યની શાળાઓમાં હાલ વેકેશન હોવાથી શિક્ષણ પ્રવૃત્તિ બંધ છે પણ, પોતાનું સંતાન આજના સમયમાં ક્યાં પાછળ ન રહે તે તમામ પ્રયાસો માવતર કરે છે. ક્યાંક એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસમાં વ્હાલ સોયા બાળકોને મોકલે છે તો ક્યાંક ઈતર પ્રવૃત્તિઓ બાળકોને કરાવી વેકેશનનો સદ ઉપયોગ દરેક વાલી કરે છે. ત્યારે નડિયાદમાં રહેતા અને નડિયાદ તાલુકાના વાલ્લા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે અનોખા વિચાર સાથે ઉનાળા વેકેશનમાં બાળકોના ભવિષ્યને લઈને ડગ માડ્યો છે. જેમાં 60-75 જેટલા ગામના બાળકોને કુદરતના ખોળે એકઠા કરી બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. નાના ભૂલકાઓમાં વાંચન, લેખન અને ગણનની પ્રવૃત્તિ સતત કેળવાતી રહે તે માટે શિક્ષકે વેકેશનમાં દરરોજના ત્રણ કલાક બાળકો માટે ફાળવ્યા છે અને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે શિક્ષકે બાળકોમાં આકર્ષણ થાય તે હેતુસર પેડલ સાયકલની કાયાપલટ કરી ખાસ ‘કેળવણી રથ’ તૈયાર કર્યો છે. જેમાં શૈક્ષણિક સાધનો પુસ્તક, પેન, પેન્સિલ, શૈક્ષણિક સામગ્રી મૂકી છે. અને રથ ગામની જુદીજુદી જગ્યાએ લઈ જાય છે.
નડિયાદ તાલુકાના વાલ્લા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગાંધીવિચારક શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ આ ગામથી 8 કીમી દુર નડિયાદ ખાતે રહે છે. 9 મે થી ઉનાળું વેકેશન શરૂ થતાં શાળાનું શિક્ષણ કાર્ય હાલ બંધ છે. ત્યારે આ ઉનાળા વેકેશનનો સદઉપયોગ એક ઉમદા વિચાર સાથે આ શિક્ષકે કર્યો છે. ગામ કે શહેર કે અન્ય કોઈપણ શાળામાં ભણી રહેલા નાના ભૂલકાઓમાં વાંચન, લેખન અને ગણનની પ્રવૃત્તિ સતત કેળવાતી રહે તે માટે શિક્ષકે વેકેશનમાં રોજના ત્રણ કલાક બાળકો માટે ફાળવ્યા છે અને આ બાળકો આગળ જતા શિક્ષિત બને તે દિશામાં શિક્ષકે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.
13મે થી 12 જુન સુધી એક પ્રયાસ ‘મારુ સમયદાન મારા વિદ્યાર્થીઓ માટે’ ના સૂત્ર સાથે વાંચન, લેખન અને ગણનને સમૃદ્ધ કરવા નવતર અભિગમ સાથે એક રથ તૈયાર કરાયો છે. જેનું નામ છે ‘કેળવણી રથ’, આ રથમાં શિક્ષણને લગતી તમમા સામગ્રી મૂકવામાં આવી છે અને દરરોજ સવારે 7:30થી 9:30 દરમિયાન ગામની પાદરે આ રથ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટ જાતે આ રથ ચલાવી દરરોજ અહીયા લાવે છે અને બાળદેવોને શિક્ષણ આપે છે. તો બાળકો પણ વેકેશનમાં મામાના ઘરનો આનંદ છોડી સવારથી નિયત કરેલી જગ્યાએ પહોંચી આ રથની એકી ટસે રાહ જોવા માંડે છે.
વાલ્લા ગામની ભાગોળે એ સરસ મજાના કુદરતના સાનિધ્યમાં પીપળા, લીમડાના વૃક્ષની શિતળ છાયા વચ્ચે બાળકોને શિક્ષણનું ભાથું શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવી રહ્યું છે. રથ આવ્યા બાદ પ્રાર્થના થાય છે એ પછી પ્રાણાયામ કરી અભ્યાસની શરૂઆત કરવામાં આવે છે. જેને જે ગમતુ પુસ્તક હોય તે રથમાંથી મેળવી ત્યાં વાંચે છે, લેખનની તેમજ ગણનની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે બાહ્ય જ્ઞાનના પુસ્તકો, રંગપુરણી સહિતની એક્ટીવીટી કરવામાં આવે છે. બે કલાકના સમય બાદ બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે અને એ બાદ સૌ બાળકો છૂટાપડે છે.
ભંગારમાંથી ત્રણ પૈડા વાળી પેડલ સાયકલ લીધી મોડીફાઈ કરી ‘રથ’નું સ્વરૂપ અપાયું અને નામ અપાયું ‘કેળવણી રથ’
આ પ્રયાસમા મહત્વની વાત કરવામાં આવે તો, આ રથ પાછળ 2 વર્ષનું યોગદાન હિતેશકુમાર બ્રહ્મભટ્ટે આપ્યું છે. બે વર્ષ પહેલાં વિચાર આવ્યો અને અમલમાં મૂકી દીધો હતો. સૌપ્રથમ ભંગારમાંથી આ ત્રણ પૈડા વાળી પેડલ સાયકલ લીધી જે બાદ તેને જરૂરી સમારકામ કરી તેને પતરાના વેલ્ડીગ વડે આખેઆખી મોડીફાઈ કરી અને રથમાં ફેરવી તે બાદ રંગરોગાન કરાયુ આ તમામ ખર્ચ પણ શિક્ષકે જાતે કર્યો છે. અને આજે બે વર્ષના અંતે આ રથની કિંમત અમૂલ્યમા આવી પહોંચી છે.
રિપોર્ટર – યેશા શાહ( ખેડા)