વાત્રકકાંઠા વિસ્તારને જોડતો જોડતો એકમાત્ર રોડ જેને નવા રોડ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ ઈન્દોર હાઇવેને જોડાતો આ એક એવો મુખ્ય માર્ગ એની હાલત જોતો સત્વરે મરામત ઝંખી રહ્યો છે. આ અંગે આ પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહજી સોલંકીના જણાવ્યા મુજબ નવા રોડ તરીકે જાણીતો આ રોડ નાના મોટા ૫૦થી પણ વધારે ગ્રામ્ય સમૂહને જોડતો રોડ છે.
અમદાવાદ તરફ તેમજ કઠલાલ મહેમદાવાદ અને નડિયાદ જવા માટે આ એક જ રોડ અતિ મહત્વનો છે. વધુમાં આ અંગે રવદાવત ગામના ફતેસિંહ ઝાલાના જણાવ્યા મુજબ અંદાજિત આઠેક વર્ષ અગાઉ આ રોડનું ડબલ વાઇડિંગનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ આ રોડની સામે પાછું વળીને જવાબદાર તંત્રએ કે કોઈએ જોયું નથી. આ રોડ પર અસંખ્ય બમ્પની ભરમાર જોવા મળે છે. ઠેર ઠેર બનાવવામાં આવેલા બમ્પના કારણે આ રોડ ડિસ્કો રોડ સાબિત થઈ રહ્યો છે. કોઈપણ જાતનું દિશા સૂચન બોર્ડ કે બમ્પ પર સફેદ પટ્ટા પણ લગાવવામાં આવ્યા નથી. તેમાંય અમદાવાદ ઇન્દોર હાઇવેથી સરખેજ ઢાળ ચઢતાં અને ઉતરતાં રોડ સાવ જર્જરીત થઈ ગયો છે. અડકો દડકોની રમત જેવો આ રોડ જોતા એવું લાગે છે કે રોડમાં ખાડા છે કે ખાડાઓની અંદર બનાવવામાં આવેલો રોડ છે ..? રોડ ધોવાઈ જતા રોડ ઉબડ ખાબડ બન્યો છે. રોડમાં ખાડા પડી જતા સાઈડ આપવા જતા નાના-મોટા અકસ્માતોનું વારંવાર સર્જન થઈ રહ્યું છે. જેમાં પાણી ભરાય ત્યારે એક તળાવ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
અમદાવાદ મહેમદાબાદ તરફથી કપડવંજ જવા માટે આ એક માત્ર ટુંકો માર્ગ છે. સદર રોડની પહોળો કરવાની પણ જરૂર પડી છે. અંદાજિત આ ૧૦ કિલોમીટરના રોડનું જંગલ કટીંગ પણ જરૂરી બન્યું છે. જવાબદાર તંત્ર દ્વારા સત્વરે આ રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો ચોમાસામાં આ આ રોડ ઉપરથી અવરજવર કરવાનું વધારે દુષ્કર સાબિત થશે એમ સમસ્ત વાત્રકકાંઠા વિસ્તારની જનતા જણાવી રહી છે.ત્યારે સત્વરે કહેવાતા નવા રોડનું સમારકામ કરવામાં આવે એમ વાત્રકકાંઠાની જનતા જણાવી રહી છે.