કુવૈતમાં કામદારોનું રહેઠાણ ધરાવતી ઇમારતમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા છે, જેમાંથી 40 ભારતીય છે. આ દુર્ઘટનામાં 30 ભારતીયો પણ ઘાયલ થયા છે, મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગમાં 195 લોકો રહેતા હતા, જેમાંથી લગભગ 160 ભારતીયો છે. જેમાંથી 90 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. પ્રાથમિક તપાસ મુજબ આગ બિલ્ડિંગના એક માળે રસોડામાંથી લાગી હતી. તેનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર પીડિતોની ડીએનએ તપાસ ચાલી રહી છે. ઓળખ બાદ મૃતદેહોને ભારત લાવવામાં આવશે. તે જ સમયે, સરકારે મૃતકોના પરિવારજનો માટે પીએમ રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આગમાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે પણ મદદની વાત કરવામાં આવી છે. હાલમાં તો જે આ બિલ્ડિંગમા રહેતા હતા અેન આગમાં કોઇક રીતે બચી ગયા હતા, તે લોકો જ સળગી ગયેલા લોકોના મૃતદેહો ઓળખવામાં મદદ કરી રહ્યા છે.
આ અકસ્માતને કારણે ભારતના ઘણા રાજ્યોમાં ખળભળાટ મચી ગયો છે જ્યાંના આ લોકો રહેવાસી હતા. ભારત સરકારે વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહને પરિસ્થિતિનો તાગ મેળવવા અને મદદ પુરી પાડવા માટે કુવૈત મોકલ્યા છે. તેમનું કહેવું છે કે એરફોર્સના વિમાન આગમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ લાવવા માટે તૈયાર છે. જોકે મોટો પડકાર એ છે કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે આગ એટલી ભીષણ હતી કે મૃતદેહો બળીને રાખ થઈ ગયા છે.
The fire mishap in Kuwait City is saddening. My thoughts are with all those who have lost their near and dear ones. I pray that the injured recover at the earliest. The Indian Embassy in Kuwait is closely monitoring the situation and working with the authorities there to assist… https://t.co/cb7GHN6gmX
— Narendra Modi (@narendramodi) June 12, 2024
આવી સ્થિતિમાં મૃતદેહોની ઓળખ માટે DNA પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમ જેમ મૃતદેહોની ઓળખ થશે તેમ તેમ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવશે અને પછી તેમના મૃતદેહોને વાયુ સેનાના વિમાનોની મદદથી ભારતમાં લાવવામાં આવશે. હાલમાં ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે અને તેઓ ઝડપથી સાજા થાય તેની ખાતરી કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દૂતાવાસે માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે.