અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો અને ૨૫ દેશના પ્રતિનિધીઓ વચ્ચે યોજાનારી પહેલી બેઠકની અત્યારથી જ ટીકા થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રની રાજકીય વડાની અધ્યક્ષતામાં થનારી બેઠકના દરેક સત્રમાં મહિલા અધિકારોની ચર્ચા થવાની છે પણ તેમાં અફઘાનિસ્તાનની મહિલાઓને સામેલ કરવામાં આવી નથી, જે વિવાદનો મુદ્દો બન્યો છે.
અંડરસેક્રેટરી જનરલ રોઝમેરી ડિકાલ્કોએ પત્રકારોના એક જૂથને જણાવ્યું હતું કે, “રવિવારથી શરૂ થઈ રહેલી બે દિવસની બેઠકનો હેતુ તાલિબાનોને આંતરરાષ્ટ્રીય કાયદાના પાલન સાથે દેશની અંદર અને તેના પાડોશીઓ સાથે શાંતિ જાળવવા માટે સમજાવવાનો છે.” કતારની રાજધાની દોહામાં અફઘાનિસ્તાનના પ્રતિનિધીઓ સાથે સંયુક્ત રાષ્ટ્રની આ ત્રીજી બેઠક છે, પણ તાલિબાન પહેલી બેઠકમાં હાજરી આપી રહ્યું છે. પહેલી બેઠકમાં તેમને આમંત્રણ અપાયું ન હતું અને બીજી બેઠકમાં તેમણે હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. બેઠકમાં યુરોપિયિન યુનિયન, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન, અમેરિકા, રશિયા, ચીન અને અઘાનિસ્તાનના પાડોશી દેશો પણ હાજરી આપવાના છે. તાલિબાને ૨૦૨૧માં અફઘાનિસ્તાનની સત્તા સંભાળી હતી. જોકે, કોઈ દેશે અફઘાનિસ્તાન સરકારને સત્તાવાર માન્યતા આપી નથી.