કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં, ગુજરાત સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને નાફેડ ચેરમેનની વિશેષ ઉપસ્થિતિમાં બી. એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, નડિયાદ ખાતે ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ની 76મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. (કેડીસીસી) ના નવનિર્મિત મકાન, સરદાર પટેલ સહકાર ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ કેડીસીસી બેંક દ્વારા જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના ખાતેદારો માટે લોન મેનેજમેન્ટ સિસ્ટમ (એલએમએસ), ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (ડીએમએસ), પેપરલેસ બેન્કિંગ, ટેબલેટ બેન્કિંગ, બેંકની આધુનિક વેબસાઇટ, તથા કસ્ટમર કેર સર્વિસ (સીએસએસ)ની સુવિધાઓનો પણ શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે વર્ચ્યુલ સંબોધન દ્વારા કેડીસીસી બેન્કની બેન્કીંગ ક્ષેત્રે ડિજીટાઈઝેશનની નવી સુવિધાઓ બદલ તમામ ખેડા જિલ્લાવાસીઓને શુભેચ્છાઓ આપી હતી. ગૃહ મંત્રીએ કેડીસીસી બેંકના માધ્યમથી ખાસ કરીને જિલ્લાના ખેડૂતો અને દૂધ ઉત્પાદન મંડળીની બહેનોને વિશેષ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અપીલ કરી હતી.
ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કેડીસીસી બેન્ક સતત પ્રગતિના સોપાન સર કરે અને સહુના સર્વાંગી વિકાસમાં સહભાગી બને તેવો શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કેડીસીસી બેન્ક તેમના હોદ્દેદારોની કોઠાસૂઝ અને વિશ્વસનીયતાને લીધે પ્રગતિ કરી રહી છે. વર્તમાન સમયની માંગને લઈ બેન્ક અત્યાધુનિક ટેકનોલોજી બેન્ક અપનાવી રહી છે તે ખૂબ આવકારદાયક બાબત છે.
આ પ્રસંગે કેડીસીસી બેંક ચેરમેન તેજસ પટેલ દ્વારા 76મી વાર્ષિક સાધારણ સભા અંતર્ગત સરવૈયું, ઓડિટ રિપોર્ટ, ડિવિડન્ડ ચુકવણી, માંડવલ રકમ બહાલી, સભાસદ ભેટ, સહિતની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. બેંકના ડિરેકટર ભદ્રેશભાઈ શાહે બેંકની 75 વર્ષની વિકાસરેખાની રૂપરેખા રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ પટેલ, મહેમદાવાદ ધારાસભ્ય, ઠાસરા ધારાસભ્ય, માતર ધારાસભ્ય, મહુધા ધારાસભ્ય, સોજીત્રા ધારાસભ્ય, બાલાસિનોર ધારાસભ્ય, અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, કેડીસીસી બેંક ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટર, આણંદ જિલ્લા સહકારી સંઘ ચેરમેન, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન, અમૂલ ડેરી ચેરમેન, એનસીડીસી ચેરમેન, મહેસાણા સહકારી બેન્ક ચેરમેન, ખેડા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સ્તુતિ રાવલ, બી. એ. પી. એસ સંતશ્રી સર્વ મંગલ સ્વામી શ્રી, શ્રી ભગવતચરણ સ્વામી, શ્રી ગુણાનીધી સ્વામી, આણંદ, પંચમહાલ અને ખેડા જિલ્લાના ડિરેક્ટરો, સભાસદો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.