જમ્મુ અને કાશ્મીરમાં અચાનક વધેલા આતંકવાદી હુમલાથી સૌ ચિંતિત છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલા સાવ બંધ તો ક્યારેય થયા જ નથી પણ આ વખતના હુમલા એ રીતે ચિંતાજનક છે કે, આતંકવાદીઓ જમ્મુ ડિવિઝને નિશાન બનાવીને હુમલા કરાવી રહ્યા છે. જમ્મુ ડિવિઝન લગભગ બે દાયકાથી શાંત છે. વચ્ચે વચ્ચે એકાદ મોટો હુમલો થઈ જાય તેને બાદ કરતાં જમ્મુમાં આતંકવાદ પ્રમાણમાં કાબૂમાં હતો ને મોટા ભાગના હુમલા કાશ્મીર ખીણમાં થતા. હવે આતંકવાદી જમ્મુમાં કાળો કેર વર્તાવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે, આતંકવાદીઓએ સ્ટ્રેટેજી બદલી છે. હિંદુઓની બહુમતીવાળા વિસ્તારોને ટાર્ગેટ કરીને આતંકવાદીઓ આ વિસ્તારમાંથી હિંદુઓને ભગાડવાની સ્ટ્રેટેજી અમલમાં મૂકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કાશ્મીર ખીણ હિમાલયની નજીક આવેલો વિસ્તાર છે તેથી પાકિસ્તાન મોટા ભાગે આતંકવાદીઓ ખીણમાં ઘૂસાડે છે. જમ્મુ પંજાબની નજીક આવેલો વિસ્તાર છે તેથી પાકિસ્તાન સાથેની સરહદ પાસે કાંટાળી તાર બનાવેલી છે અને મેદાન પ્રદેશ તેમજ જંગલો છે. પાકિસ્તાને સરહદ પાસે ટનલો બનાવીને મોટા પ્રમાણમાં આતંકવાદીઓને જમ્મુમાં ઘૂસાડયા હોવાનું મનાય છે. જમ્મુ ડિવિઝન અને કાશ્મીર ખીણને પીર પંજાલ રેન્જ અલગ કરે છે. પીર પંજાલ હિમાલયનો જ ભાગ છે પણ પ્રમાણમાં નીચી ટેકરીઓ છે. આ ટેકરીઓ પર ગાઢ જંગલો છે. કાશ્મીર ખીણ અને જમ્મુ બંને સ્થળેથી ઘૂસેલા આતંકવાદીઓ પીર પંજાલની ટેકરીઓ પરના જંગલોમાં છૂપાયા હોવાનું કહેવાય છે. પીર પંજાલમાં ૫૦ જેટલા આતંકવાદી છૂપાયા હોવાનું કહેવાય છે પણ આ આંકડો મોટો હોઈ શકે છે.
આ સિવાય ડોડા-કિશ્તવાર-રામબન વિસ્તારમાં પણ પાકિસ્તાનના પજંબાવ પ્રાંતથી આવેલા ૨૫ જેટલા આતંકવાદી છૂપાયા હોવાનું કહેવાય છે. ગંભીર વાત એ છ કે, આ બધા આતંકવાદી પાછા પંજાબ સરહદેથી ઘૂસ્યા છે. આ આતંકીઓ અલગ અલગ ટોળી બનાવીને રહે છે. બધા એકબીજા સાથે સંપર્કમાં છે અને વારાફરતી હુમલા કરીને પાછી જંગલમાં છૂપાઈ જાય છે. આ પણ નવી સ્ટ્રેટેજી છે ને તેનો પણ કોઈ તોડ અત્યારે આપણી પાસે નથી.
વિશ્લેષકોનું માનવું છે કે, ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં કાશ્મીર ખીણમાંથી હિંદુઓને ભગાડયા પછી આતંકવાદી સંગઠનો અને મુસ્લિમ કટ્ટરવાદીઓએ જમ્મુમાંથી પણ હિંદુઓને ભગાડવા પ્રયત્ન કરેલા. લગભગ એક દાયકા સુધી ઉપરાછાપરી હિંદુઓ પર હુમલા કરીને તેમનામાં ડર પેદા કરવાનો પ્રયત્ન કરાયેલો. અત્યારે એ જ પેટર્ન અજમાવાઈ રહી છે.
આતંકવાદીઓએ ૧૯૯૩ના ઓગસ્ટમાં કિશ્તવારમાં એક બસ પર હુમલો કરીને ૧૭ હિંદુઓની હત્યા કરી હતી. બસમાં બેઠેલા હિંદુઓને અલગ કરીને ગોળીએ દેવાયા હતા. એ પછી હિંદુઓનું ટાર્ગેટ કિલિંગ શરૂ કરાયું અને દર અઠવાડિયે એક-બે હિંદુઓની હત્યા કરી દેવાતી. વચ્ચે વચ્ચે મોટા હુમલા પણ થતા. ૧૯૯૮માં રીસી જિલ્લાના પ્રાણકોટ અને ડાકીકોટ ગામમાં ૨૬ હિંદુઓનાં માથાં ધડથી અલગ કરીને ક્રૂરતાથી હત્યા કરી દેવાયેલી.
૨૦૦૧ના ઓગસ્ટમાં પૂંચ જિલ્લામાં મંદિરમાંથી બે પૂજારીને ઉઠાવી લઈને તેમનાં માથાં ધડથી અલગ કરી દેવાયેલાં. એક મુસ્લિમ નેતાએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો નેતાના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી દેવાયેલી. જમ્મુના રઘુનાથ મંદિર પર થયેલા ફિદાયીન હુમલામાં ૧૨ શ્રધ્ધાળુઓનાં મોત થયેલાં ને ૨૦થી વધારે ઘાયલ થયેલા. રઘુનાથ મંદિરની જેમ બીજાં ઘણાં મંદિરોને નિશાન બનાવીને પૂજારીઓ અને શ્રધ્ધાળુઓની હત્યા કરી દેવાયેલી.
આ જ પેટર્નથાી ગયા વરસથી જમ્મુ ડિવિઝનમાં હિંદુઓને ટાર્ગેટ કરાઈને હુમલા કરાઈ રહ્યા છે. આતંકવાદીઓ પોતાનું નેટવર્ક સ્થાપી રહ્યા હોવાથી શરૂઆત નાના હુમલાથી કરી ને હવે છેલ્લા કેટલાક સમયથી મોટા હુમલા થઈ રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ ૪ જૂને ત્રીજી વાર વડાપ્રધાનપદના શપથ લીધા એ જ દિવસે આતંકવાદીઓએ શ્રધ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કરી દીધેલો.
છેલ્લા અઠવાડિયામાં તો ઈન્ડિયન આર્મીના જવાનોને નિશાન બનાવીને કરાયેલા બે મોટા હુમલામાં ૯ જવાનો શહીદ થઈ ગયા છે. જમ્મુમાં ૯ જૂનથી અત્યાર સુધીમાં સવા મહિનાના ગાળામાં થયેલા ૬ આતંકવાદી હુમલામાં ૧૨ જવાનો શહીદ થયા છે અને ૧૦ નાગરિકો માર્યા ગયા છે.
ભારતે આતંકવાદીઓનો સફાયો કરવા મેજર ઓપરેશન હાથ ધરવું જરૂરી છે કેમ કે આ હુમલાઓના કારણે આપણે નબળા સાબિત થઈ રહ્યા છીએ. આપણે ઘર મેં ઘૂસ કે મારેંગે એવી વાતો બહુ કરીએ છીએ પણ અત્યારે તો આતંકવાદીઓ આપણને ઘરમાં ઘૂસીને મારી રહ્યા છે. તેના કારણે આપણી આબરૂનો પણ ભારે ફજેતો થઈ રહ્યો છે.
ભારત માટે આબરૂનો મોટો સવાલ વિધાનસભાની ચૂંટણી છે. ભારત જમ્મુ અને કાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર પહેલાં વિધાનસભાની ચૂંટણી કરાવવા માગે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે તેથી ચૂંટણી કરાવ્યા વિના સરકારનો છૂટકો નથી. આતંકવાદીઓ કોઈ પણ સંજોગોમાં ચૂંટણી થવા દેવા નથી માગતા કે જેથી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ નથી પણ ભારત લશ્કરના જોરે કબજો કરીને બેઠું છે એવો કુપ્રચાર કરી શકાય.
ભારતે લોકસભાની ચૂંટણી સફળતાપૂર્વક કરાવી તેથી આતંકવાદીઓની વાતમાં દમ નથી એ સાબિત થઈ ગયું. હવે વિધાનસભાની ચૂંટણી પણ કરાવીને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જરૂરી છે અને એ માટે આતંકવાદીઓ સામે મેજર ઓપરેશન જરૂરી છે.
જમ્મુમાં ૬૭ ટકા હિંદુ, ડર પેદા કરી ભગાડવાનું આતંકવાદીઓનું લક્ષ્ય
જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીર ખીણમાં મુસ્લિમોની બહમતી છે જ્યારે જમ્મુ ડિવિઝનમાં હિંદુઓની બહુમતી છે. ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે, જમ્મુ ડિવિઝનની કુલ વસતી ૫૩.૫૦ લાખ હતી. તેમાંથી ૬૭.૫ ટકા હિંદુ છે જ્યારે ૩૦ ટકા મુસ્લિમ છે અને ૨ ટકા સીખ છે.
હિંદુઓમાં પણ સૌથી વધારે ડોગરા છે. જમ્મુ ડિવિઝનની કુલ વસતીમાં ૪૭ ટકા ડોગરા છે. જમ્મુ ડિવિઝનમાં દલિતો અને આદિવાસીઓની વસતી બહુ છે. કુલ વસતીમાં લગભગ ૨૦ ટકા દલિત અને ૧૫ ટકાથી વધારે આદિવાસી છે.
ડિવિઝનના ૧૦ જિલ્લામાંથી ૫ જિલ્લામાં મુસ્લિમો બહુમતી છે જ્યારે ૫ જિલ્લામાં હિંદુઓની બહુમતી છે પણ ગીસ વસતીવાળા મેદાની પ્રદેશોમાં હિંદુઓ વધારે હોવાથી હિંદુઓ બહુમતીમાં છે. કઠુઆ, જમ્મુ, સામ્બા અને ઉધમપુર એ ચાર જિલ્લામાં હિંદુઓનું પ્રમાણ ૮૫ ટકાથી વધારે છે જ્યારે પૂંચ જિલ્લામાં ૯૧ ટકા મુસ્લિમો છે. પૂંચમં માત્ર ૬.૮ ટકા હિંદુ છે જ્યારે બાકીના તમામ જિલ્લામાં હિંદુઓનું પ્રમાણ ૩૦ ટકાથી વધારે છે તેથી એકંદરે હિંદુઓ મજબૂત સ્થિતીમાં છે.
આતંકવાદીઓ અત્યારે રીસી, ડોડા વગેરે જિલ્લામાં હુમલા કરી રહ્યા છે. આ વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમ વસતીમાં બહુ ફરક નથી તેથી આતંકવાદીઓનું લક્ષ્ય હિંદુઓને ડરાવીને ભગાડવાનું છે એવું મનાય છે. આ બંને જિલ્લાંમાં ગુજ્જર અને બકરવાલ મુસ્લિમો છે કે જે કાશ્મીર ખીણના મુસ્લિમોથી અલગ છે પણ ધીરે ધીરે કાશ્મીર ખીણના મુસ્લિમો આ બંને જિલ્લામાં ઠલવાઈ રહ્યા હોવાનું કહેવાય છે.
૧૯૯૦માં મસ્જિદોમાંથી હિંદુઓને કાશ્મીર ખીણ છોડી જવા એલાન થયેલાં
આતંકવાદીઓ જમ્મુમાં પણ ૧૯૯૦ જેની સ્થિતી સર્જવા માગે છે પણ આ ૨૦૨૪ છે. કાશ્મીરી પંડિતોને ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ના દિવસે કાશ્મીરમાંથી ભગાડી મૂકવા તમામ મસ્જિદોમાંથી એલાન થયેલાં. મુલ્લા-મૌલવીઓએ ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ના દિવસે સવારની નમાઝ પછી તરત કાશ્મીર ખીણની લગભગ તમામ મસ્જિદોમાંથી એલાન કર્યું કે, કાશ્મીરી પંડિતો કાફિર છે, તેમને કાશ્મીરમાં રહેવાનો અધિકાર નથી તેથી તેમને મારી મારીને ભગાડો.
મસ્જિદોમાંથી ધમકી અપાઈ કે, કાશ્મીરી પંડિત પુરૂષો તાત્કાલિક કાશ્મીર છોડીને જતા રહે. કાશ્મીર છોડવા ના માંગતા હોય એ બધા ઈસ્લામ અપનાવી લે નહિંતર હત્યા કરી દેવાશે. કાશ્મીર છોડવા માંગતા પુરૂષો ઘરની સ્ત્રીઓને કાશ્મીરમાં જ છોડીને જાય. આ સ્ત્રીઓએ મુસ્લિમો સાથે નિકાહ પઢવા પડશે. કાશ્મીરી મુસ્લિમોને પણ સૂચના અપાઈ કે, પંડિતોની ઓળખ કરીને તેમની યાદી બનાવીને મોકલો કે જેથી તેમને નિશાન બનાવીને ભગાડી શકાય. ફફડેલા કાશ્મીરી પંડિતોએ સત્તાવાળાઓ સામે રજૂઆત કરી પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું. બીજી તરફ આતંકીઓએ કાળો કેર વર્તાવતાં પંડિતો જે હાથ લાગ્યું તે લઈને કાશ્મીર છોડીને ભાગવા માંડયું. હતું. જે રોકાઈ ગયા તેમનાં ઘરો સળગાવી દેવાયાં. બીજી પણ તકલીફો ઉભી કરીને આતંકીઓએ એવા સંજોગો પેદા કરી દીધેલા કે, પંડિતો રહી જ ના શકે. કંટાળીને ઘણા પંડિતો પોતાનાં ઘર સ્થાનિક મુસ્લિમોને સાલ મામૂલી રકમમાં વેચીને નિકળી ગયેલા. ભાગ્યા નહોતા એ હિંદુઓને પરાણે મુસ્લિમ બનાવ્યા.