ગુરૂ અને શિષ્યના પવિત્ર સંબંધોને વ્યાખ્યાતિ કરતા ગુરૂ પૂર્ણિમા પર્વની ખેડા જિલ્લામાં શ્રદ્વા અને ઉલ્લાસના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.નડિયાદના સંતરામ મંદિરમાં સવારે મહંત રામદાસજી મહારાજને મંદિરના સેવકભાઇઓ દ્વારા તિલક કરી ગુરુપૂજન કર્યુ હતું. ભકતજનોએ પૂ.મહારાજને ફુલહાર પહેરાવી ગુરુવંદના કરી હતી. ઉપરાંત ગુરુ મંત્ર સાથે ભાવિકજનોએ કંઠી ધારણ કરી હતી. મંદિરમાં દર્શનાર્થ ઉમટેલ હજારો ભકતજનો દ્વારા જય મહારાજનો જયઘોષ કરાયો હતો.આ પર્વ નિમિત્તે જાળી દર્શન અને પૂ.મહારાજશ્રીની પાદુકા પૂજનના કાર્યક્રમ યોજાયા હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, નડિયાદ ખાતે સવારથી ભાવિકજનો દર્શન કાજે ઉમટી રહ્યાનું જોવા મળ્યું હતું. દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં હરિભકતોએ દર્શન,સત્સંગ સહિત ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના દર્શનાર્થ હજારો ભાવિકજનો ઉમટયા હતા. દિવસભર પ્રભુ દર્શનાર્થ ભાવિકજનોની હરખની હેલી જોવા મળી હતી. ઉપરાંત દાદુરામ મંદિર, દંડી સ્વામી મઠ, રામમિલન દાસજી મંદિર, પ્રણામી મંદિર સહિત ર૦ જેટલી ગુરૂગાદીએ હજારો ભકતજનોએ ગુરુ પૂજન કરીને આશિષ મેળવ્યા હતા. ડાકોરના ડુંગરા ભાગોળ ખાતે આવેલ શ્રી દાદુરામ મહારાજ મંદિર મુખ્ય ગુરુગાદી સ્થાનકે ચરોતર, રાજસ્થાન, પંચમહાલ સહિતના સ્થળોએ વસતા શિષ્યો દર્શનાર્થ ઉમટયા હતા. ગાદીપતિ મહંત દયારામ મહારાજે પૂરોગામી સંત પરંપરાના ગાદીપતિઓની યશગાથા રજૂ કરી હતી. રાત્રિ ભજન કિર્તન, સાયંકાળે ચરણ-પાદુકા પુજન, ધ્વજારોહણ, મહાઆરતી, કંઠીબોધ-ઉપદેશ અને મહાપ્રસાદીના ઉત્સવમાં મોટી સંખ્યામાં શિષ્યગણે લ્હાવો લીધો હતો.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થા અને ઉપાસનાના મધ્યબિંદુ વડતાલ ધામમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે પવિત્રાનંદ સ્વામીના સભામંડપમાં સ.ગુ.નીલકંઠચરણસ્વામીએ વડતાલ મહિમાની કથાનું સુમધુર શૈલીમાં રસપાન કરાવ્યું હતું. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ ગાદીઆરૂઢ થયા ત્યારથી આજદિન સુધીમાં ૮૫૬ સંતોને ભાગવત દિક્ષા આપી છે. અને એક હજાર મંદિરોનો જીર્ણોદ્ધાર તથા મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે.
આજે વડતાલ મંદિર અને બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય દ્વારા થયેલ સેમિનારના સંસ્મરણ અને વિદ્વાનોનાં લેખોનું સંસ્કૃતવિદ્યા વિશેષાંકનું પણ વિમોચન કરવામા આવ્યું.