મહેમદાવાદ તાલુકામાં આવેલા કાચ્છઇ અને વરસોલા પીએચસીમાં છેલ્લા ઘણા સમયથી મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી હોવાના કારણે પ્રજાજનોને ભારે હાલાકી ભોગવી પડે છે.હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. વરસાદી વાતાવરણમાં પ્રજાજનો વિવિધ પ્રકારના રોગનો ભોગ બની રહ્યા છે. ત્યારે આ દર્દીઓની સેવા કરવા માટે નિષ્ણાત તબીબોના અભાવે સૌ પ્રજાજનોને ખાનગી હોસ્પિટલોની સેવાઓ લેવી પડતી હોવાની બૂમ ઉઠી છે. મહેમદાવાદ તાલુકાના કાચ્છઇ પી. એચ.સી. સેન્ટરમાં આવેલા ગામડાઓમાં કાચ્છઈમાં 6500, સમસપુરમાં 2500 કતકપુરામાં 1500, ઇયાવામાં 1000, છાપરામાં 5500 અને વિરોલ ગામમાં 1200 મળી કુલ 18,200 ની વસ્તી ધરાવતા પી.એચ.સી સેન્ટરમાં મેડિકલ ઓફિસર છેલ્લા ત્રણ મહિના માસથી જગ્યા ખાલી છે. જેના પરિણામે દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. બીજી તરફ નજીકમાં આવેલ વરસોલા પી.એચ.સી સેન્ટરમાં પણ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે. જેથી આ વિસ્તારના ગામોમાં આવેલા મગનપુરા, અંધજ, દેગામ, અને વરસોલા ગામના પ્રજાજનોને કોઈ તબીબી સારવાર ઉપલબ્ધ થતી નથી. હાલમાં ચાંદીપુરાના દર્દીઓ તાલુકામાં જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએથી પણ તબીબોની નિષ્ણાંત ટીમો મહેમદાવાદ તાલુકામાં ચોકસાઈપૂર્વક ફરી રહી છે પરંતુ પીએચસી સેન્ટરોમાં જ જ્યારે મેડિકલ ઓફિસરોની જગ્યાઓ ખાલી પડતી હોય ત્યારે આ પ્રજાજનો ભગવાનને ભરોસે જીવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ બાબતે આરોગ્યતંત્ર દ્વારા તાકીદે પગલાં ભરવામાં આવે તેવી સૌ પ્રજાજનોની લાગણી અને માગણી છે. આ સંદર્ભે જિલ્લા તબીબી અધિકારી દ્વારા તાકીદે પગલાં ભરવામાં આવે તેમ કાચ્છઈના અગ્રણીઓ હર્ષદભાઈ પટેલ દ્વારા ખાસ રજૂઆત કરવામાં આવી છે.