રાજપીપળા સરદાર ટાઉન હોલની બહાર જ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે નિરંજન વસાવાએ વચ્ચે જાહેરમાં શાબ્દિક ઘર્ષણ થતા પોલીસ દોડી આવી હતી.આ ઘટના બાદ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો રીતસરના સામ સામે આવી ગયા હતા.જો કે પોલીસ અને ત્યાં હાજર અન્ય લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે 26 તારીખે બપોરે 3 કલાકે આમ આદમી પાર્ટીનો મિશન વિસ્તાર કાર્યક્રમ હતો તો એ કાર્યક્રમ પુર્ણ થયા બાદ 4 કલાકે ભાજપનો પણ કારગીલ વિજય દિવસનો કાર્યક્ર્મ હતો.આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ પુર્ણ થતા એમના કાર્યકરો બહાર નિકળી રહ્યા હતા જ્યારે ભાજપના કાર્યકરો અંદર પ્રવેશી રહ્યા હતા.હવે ભાજપના કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ પ્રવેશતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એનો વાંધો ઉઠાવ્યો હતો અને ભાજપના કાર્યકરોને જણાવ્યું હતું કે ભાજપ સંખ્યાબળ ભેગુ કરવા વિદ્યાર્થીઓનો સહારો લે છે એ ના ચાલે.બાદમાં આ મુદ્દે નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ અને નિરંજન વસાવા વચ્ચે જાહેરમાં જ શાબ્દિક ઘર્ષણ થયું હતું.
નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ કાર્યક્રમ સફળ કરવા વિદ્યાર્થીઓનો ઉપયોગ કરે છે તો સામે નિલ રાવે નિરંજન વસાવાને જણાવ્યું હતું કે આ દેશના શહીદોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ છે કોઈ રાજકીય કાર્યક્રમ નથી, આ કાર્યક્રમમાં કોઈ પણ આવી શકે બધાને જાહેર આમંત્રણ છે તમે પણ ચાલો તમને હું આમંત્રણ આપુ છું.અમે અલગાવવાદી નથી રાષ્ટ્રવાદી છીએ, અમે કોઈને આવવા દબાણ નથી કરતા.તમે લોકો તમારી પ્રસિધ્ધિ માટે આને રાજકીય મુદ્દો ન બનાવશો.