રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડે બુધવારે, RSS પરની ટિપ્પણીઓ સામે સખત વાંધો નોંધાવ્યો હતો. રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન તેમણે કહ્યું કે, RSS રાષ્ટ્રની સેવામાં કાર્યરત સંગઠન છે અને સંગઠનમાં રહેલા લોકો નિઃસ્વાર્થ ભાવે કામ કરે છે. દેશના કામમાં જોડાયેલા સંગઠનની ટીકા કરવી બંધારણ વિરોધી છે અને તેને દેશની વિકાસયાત્રાનો ભાગ બનવાનો હક છે. આ બાબતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને ટોકવાની કોશિશ કરી હતી. હોબાળો થયા બાદ બીએસપી અને બીજેડી સહિતની વિપક્ષી પાર્ટીઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
હકીકતમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમન દ્વારા એનટીએ અધ્યક્ષની નિમણૂક પર કરાયેલી ટિપ્પણીથી સ્પીકર જગદીપ ધનખડ નારાજ થયા હતા. તેમણે સંસદના અધ્યક્ષના RSS સાથે જોડાયેલા હોવાની ટિપ્પણી પર નારાજગી દર્શાવી હતી. સાથે જ તેમણે કહ્યું કે તેઓ આ ટિપ્પણીને સંસદના રેકોર્ડ પર નહીં આવવા દે. સ્પીકરે કહ્યું કે RSSની સાખ ચોખ્ખી છે. તેમણે કહ્યું કે તેઓ કોઈને પણ RSSને એકલું પાડી દેવાનું કાવતરું નહીં કરવા દે.
સ્પીકર જગદીપ ધનખડની આ ટિપ્પણી સામે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં સુધી કોઈ સાંસદે સંસદીય કાર્યવાહીના નિયમોનું ઉલ્લંઘન ન કર્યું હોય ત્યાં સુધી અધ્યક્ષ કોઈ સભ્ય પર વાંધો ન ઉઠાવી શકે. ખડગેના સવાલનો જવાબ આપતાં ધનખડે કહ્યું કે, હું માનું છું તે જ્યારે ઉલ્લંઘન થાય છે ત્યારે તો હું વચ્ચે બોલી શકું છું.