નડિયાદ તાલુકાના સલુણ-શંકરપુરા રોડ ઉપરથી એલસીબી પોલીસે એક ટેમ્પીમાં દેશીદારૂની હેરાફેરી કરતાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટેમ્પીમાં મુકેલ ત્રણ કંતાનના કોથળામાંથી ૮૫૦ લીટર દેશીદારૂ કિ.રૂા. ૧૭,૦૦૦ તથા એક મોબાઇલ ફોન અને ટેમ્પી સહિત કુલ રૂા. ૭૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા એલસીબીના અપોકો દિપકુમાર પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમ્યાન તેઓને બાતમી મળેલ હતી કે સલુણ શંકરપુરા રોડ ઉપરથી એક ટેમ્પીમાં દેશીદારૂ ભરી ત્રણ ઇસમો પસાર થનાર છે. જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી સલુણ નજીકથી ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પુછપરછ કરતાં તેઓએ પોતાનું નામ કમલેશ ઉર્ફે નનુ રાવજીભાઇ તળપદા, લવ કુમાર ઉર્ફે અનિલ દિલીપભાઇ તળપદા તથા જીતેન્દ્ર ઉર્ફે જીતો વિઠ્ઠલભાઇ તળપદા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પીમાં તપાસ કરતાં પાછળના ભાગે ત્રણ કોથળામાં ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓમાં દેશીદારૂ ૮૫૦ લીટર કિ.રૂા. ૧૭,૦૦૦ તથા એક મોબાઇલ ફોન કિ.રૂા. ૫,૦૦૦ તથા ટેમ્પી કિ.રૂા. ૫૦,૦૦૦ ગણી કુલ રૂા. ૭૨,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે ત્રણ ઇસમો વિરૂદ્ધ પ્રોહી.નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.