ભારતીય રેલવેના ‘મિશન રફ્તાર’ને ઝડપથી આગળ વધારવાનું કામ શરૂ થઈ ગયું છે. જેને લઈને પશ્ચિમ રેલવે પર મુંબઈ અને અમદાવાદ વચ્ચે નવમી ઓગસ્ટે 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પ્રથમ ટ્રાયલ થશે. આ ટ્રાયલમાં 20 કોચવાળી વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO)ની ટીમ અમદાવાદ પહોંચી છે અને ટ્રાયલ રેકમાં ઈક્વિપમેન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે.
‘મિશન રફ્તાર’ શું છે?
પાંચ વર્ષ પહેલા મુંબઈ અને દિલ્હી વચ્ચે 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવા માટે ‘મિશન રફ્તાર’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. 1,478 રૂટ કિ.મી. અને 8 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ સાથે સંબંધિત કામ પૂર્ણ થઈ ગયું છે. મિશન સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યાનુસાર, પહેલા 130 કિં.મી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ થશે, ત્યારબાદ કેટલાક તબક્કામાં અને વિવિધ વિભાગોમાં 160 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ થશે.
ટ્રેસ કવચથી સજ્જ હશે
ટ્રેનોની સ્પીડ અને સલામતી વધારવા માટે ભારતીય રેલવેની ‘કવચ’ ટેક્નોલોજીનો ઉપયોગ સમગ્ર રૂટ પર કરવામાં આવી રહ્યો છે. કવચ ધરાવતી ટ્રેન સામ-સામે અથડાતી નથી. કારણ કે અથડામણ પહેલા ટ્રેન ઓટોમેટિક બ્રેક લાગી જશે. ડિસેમ્બર 2022માં પશ્ચિમ રેલવે પર 735 કિ.મી. પર 90 એન્જિનમાં ‘કવચ’ ફીટ કરવા માટે 3 કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, જેનું કામ પૂર્ણ થઈ ગયું છે. પશ્ચિમ રેલવે પર આ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વડોદરા-અમદાવાદ સેક્શનમાં 62 કિ.મી., વિરાર-સુરત પર 40 કિ.મી. અને વડોદરા-રતલામ-નાગડા સેક્શનમાં 37 કિ.મી. પર ટ્રાયલ હાથ ધરવામાં આવી છે.
રેલવેનું લક્ષ્ય 160 કિ.મી. પ્રતિ કલાકનું છે
હાલમાં ભારતીય રેલવેમાં ટ્રેનોની સરેરાશ સ્પીડ 70થી 80કિમી પ્રતિ કલાક છે. જેને વધારીને 160 કિ.મી. પ્રતિ કલાક કરવામાં આવશે. ટ્રેનોની સ્પીડ વધારવા માટે રેલવેએ પાટા નીચેનો આધાર પહોળો કર્યો છે, જેથી સ્પીડ સ્થિર રહે. તેના સમગ્ર રૂટ પર 2×25000-વોલ્ટ (25 હજાર વોલ્ટની બે અલગ પાવર લાઇન) પાવર લાઇન બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટના પશ્ચિમ રેલવે વિસ્તારમાં 134 વળાંકો સીધા કરવામાં આવ્યા છે. 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ માટે 60 કિગ્રા 90 યુટીએસ ટ્રેક જરૂરી છે, જ્યારે મોટાભાગના ભારતીય રેલવે પાસે 52 કિગ્રા 90 યુટીએસ ટ્રેક છે. મુંબઈ-દિલ્હી રૂટ પર પ્રોજેક્ટ મુજબ ટ્રેક બદલવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ઝડપ વધારવા માટે, પાટા નીચે પથ્થરની બાલ્સ્ટની ગાદી 250 મિ.મી.થી વધારીને 300 મિ.મી. કરવામાં આવી છે.