ખેડા જિલ્લામાં ગુલ્લીબાજ શિક્ષકોના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. કપડવંજના માલઈટાડી તાબે વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં ડમી શિક્ષક ભણાવતો હોવાની માહિતી બહાર આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ આજે વધુ એક ગુલ્લીબાજ શિક્ષિકાનુ કારનામું બહાર આવ્યું છે. નડિયાદ તાલુકાના હાથેજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા વગર એનઓસીએ વિદેશમાં છેલ્લા એક વર્ષથી રહેતી હોય વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થતી હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. જોકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ મુદ્દે તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરાશે તેમ જણાવ્યું છે.
ખેડા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં શિક્ષણ વિભાગમાં ભારે લોલમલોલ ચાલતી હોવાનું દેખાઈ આવ્યુ છે. તગડા પગાર લેનાર શિક્ષકો ખુદ સતત ગેરહાજર રહ્યા હોવાનું તો ક્યાંક ગુલ્લી મારતા હોવાના કિસ્સાઓ ઉજાગર થયા છે. નડિયાદ તાલુકાના હાથજ ગામમાં આવેલ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલબેન પરમાર છેલ્લા 11 માસથી સતત શાળામાં ગેરહાજર રહ્યા છે. તેઓ પરદેશ જતા રહ્યા હોવાનું શાળાના મુખ્ય શિક્ષક જણાવી રહ્યા છે છેલ્લા એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે. ડીપીઈઓ દ્વારા મળતી માહિતી મુજબ ડીપીઈઓ કક્ષાએથી તપાસ કરવામાં આવતા આ શિક્ષિકા 1 સપ્ટેમ્બર 2023થી સતત શાળામાં ગેરહાજર છે.
જે મામલે ડીપીઈઓ દ્વારા કારણ દર્શક નોટિસ પણ ઇસ્યુ કરેલ છે. આ નોટીસમાં જણાવાયું છે કે, 1/9/2023થી શિક્ષિકા સોનલબેન ગેરહાજર છે. તેઓ અમેરિકા જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી. જોકે આ શિક્ષિકાને ગેરહાજર ગણીને તેનો પગાર થતો ન હોવાનું ડીપીઈઓએ જણાવ્યું છે. મહત્વનુ છે કે, સોનલબેન વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ પડી રહી છે. આ શાળામાં ધોરણ 1થી 8માં કુલ 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
ત્યારે શિક્ષકની ઘટને લઈ વિદ્યાર્થીઓના ભાવિ પર સીધી અસર પડી રહી છે.જોકે આ શિક્ષક વિદેશ ભાગી ગયા હોવાની માહિતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે છે. તેમણે આ મુદ્દે શિક્ષિકાને નોટિસ પણ આપી છે જો આવનાર સમયમાં શિક્ષિકા તરફથી કોઈ ખુલાસો નહીં આવે તો તેને ટર્મિનેટ કરવામાં આવશે તેવું પ્રાથમિક શિક્ષણાઅધિકારી પી.આર. વાઘેલાએ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અગાઉ પણ આ રીતે ત્રણ શિક્ષકોને ટર્મીનેટ કર્યા પણ છે. કપડવંજ તાલુકાના માલઈટાડી તાબે વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં ડમી શિક્ષકના મામલે પુછતા તેમણે કહ્યું કે, બાબતે તપાસ ચાલુ છે જેમા આજે અમારી ટીમ તપાસ અર્થે ત્યાં પહોંચી છે. જો એમાં પણ કોઈ જવાબદાર હશે તો તેની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે.