ChatGPTએ લોન્ચ થતાની સાથે જ દુનિયાભરમાં ચર્ચા જગાવી હતી. અદભૂત ક્ષમતાઓના સહારે તેણે દરેકને ચોંકાવ્યા હતા. તેના આગમનથી અનેક લોકો નોકરી ગુમાવવાના ડરથી પીડાઈ રહ્યા છે તો અનેક લોકો એવા છે જેમણે તેને પૈસા કમાવવાનો રસ્તો બનાવી લીધો છે. મુશ્કેલ કામ તે ગણતરીના સેકન્ડમાં કરી આપે છે. જો તમે પણ ChatGPTનો ઉપયોગ કરવા માગો છો તો આ તમારા માટે ખુશખબર છે.
OpenAIએ આઈફોન માટે ChatGPT એપ લોન્ચ કરી દીધી છે. યૂઝર હવે ડેડિકેટેડ એપની મદદથી આઈફોનમાં ચેટજીપીટી સર્વિસિઝને યૂઝ કરી શકશે. આ એપ કોને મળશે? શું તેના માટે પૈસા ચૂકવવા પડશે? આવા અનેક સવાલોના જવાબ તમને અહીં મળી જશે. હાલ આ એપ અમેરિકામાં લોન્ચ કરાઈ છે.
સારી વાત એ છે કે એપ સ્ટોર પર ઉપલબ્ધ ChatGPT એપ ફ્રીમાં ડાઉનલોડ થઈ શકશે અને તે સંપૂર્ણપણે એડ-ફ્રી પણ છે. આગામી અમુક અઠવાડિયાઓમાં તેને દુનિયાભરના અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ કરાવાશે. કંપની કહે છે કે જલદી જ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે પણ આ એપ લોન્ચ કરાશે.
કંપનીએ કહ્યું કે જે યૂઝર OpenAIના ChatGPT પ્લસ સબ્સક્રિપ્શનની ચૂકવણી કરી ચૂક્યા છે તે એપની મદદથી તેમના સૌથી શક્તિશાળી લેંગ્વેઝ મોડેલ GPT-4નો ઉપયોગ કરી શકે છે. વેબ વર્ઝનથી વિપરિત તેમાં બોલીને પણ સવાલો પૂછી શકાશે. કંપનીએ કહ્યું iOS માટે ChatGPT એપ એડ ફ્રી રહેશે પણ તમારી હિસ્ટ્રીને તમામ ડિવાઈસ સાથે સિન્ક કરશે.