12 જ્યોતિર્લિંગોમાંથી એક અને જે હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે એવા ત્ર્યંબકેશ્વર મંદિર પાસે બનેલી હઝરત પીર સૈયદ ગુલાબ શાહવાલી બાબાની દરગાહ વાસ્તવમાં હિન્દુ દેવી-દેવતાની ગુફા છે. આ હિન્દુ ગુફા બાબા ગોરખનાથના નાથ સંપ્રદાયની છે. ભગવાન ગણેશ અહીં બિરાજમાન છે. અહીં અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ અને પ્રતીકો હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આ દાવો મહારાષ્ટ્રની અખિલ ભારતીય સંત સમિતિના વડા મહંત અનિકેત શાસ્ત્રીએ કર્યો છે.
મહંત અનિકેત શાસ્ત્રીએ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને અહીં આવીને સર્વે કરાવવાની માગ કરી છે જેથી સત્ય બહાર આવી શકે. અનિકેત શાસ્ત્રીએ દાવો કર્યો છે કે તેમને ઈતિહાસકારો અને પુરાતત્વવિદો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે તેઓ જ્ઞાનવાપીની જેમ અહીં પણ સર્વેની માગ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે મહંત અનિકેત શાસ્ત્રીએ પોતે એક દિવસ પહેલા આ માંગણી કરી હતી, જો મંદિરની બહાર સ્થાનિક મુસ્લિમો દ્વારા ધૂપ બતાવવાની પરંપરા 100 વર્ષ જૂની છે, તો પછી મસ્જિદોમાં પણ હનુમાન ચાલીસા વાંચવાની પહેલ કેમ ન શરૂ કરવામાં આવી? જો આમ ન થઈ શકે તો પરંપરાના નામે જબરદસ્તીનો ખેલ બંધ થવો જોઈએ.
13 મેની રાત્રે કેટલાક યુવાનોએ ત્ર્યંબકેશ્વરના મહાદેવ મંદિરમાં ગુલાબ શાહવાલી બાબાના ઉર્સ મેળા અને સરઘસમાંથી બહાર નીકળ્યા પછી ધૂપ બતાવી હતી અને કેટલાકે દાવો કર્યો હતો કે તેઓ બળપૂર્વક મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પછી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલાની તપાસ માટે વિશેષ તપાસની એક ટીમની રચના કરી અને ચાર લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી. આજે SITની ટીમ તપાસ માટે ત્ર્યંબકેશ્વર મંદિર પહોંચી છે અને તપાસ અને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.
દરગાહને સૂફી સંતોની સમાધિ કહેવામાં આવે છે. સામાન્ય રીતે મંદિર તોડીને મસ્જિદ બનાવવાના દાવા કરવામાં આવે છે. પરંતુ મંદિર અથવા હિન્દુ અવશેષો પર દરગાહ હોવાનો દાવો સામાન્ય રીતે કરવામાં આવતો નથી.