તેર વર્ષથી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના આરોપીને નડિયાદની કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે. નવ મહિના પહેલા આ ઈસમે સગીરાની એકલતાનો લાભ લઇને તેની મરજી વિરૂધ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ જો કોઈને કહીશ તો તને બદનામ કરી દઈશ. તેવી ધમકી આપી હતી. આ દરમિયાન સગીરા ગર્ભવતી બનતા આતરસુંબા પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતા ચુકાદો આપ્યો હતો.
આ અંગેની વધુ માહિતી જોવામાં આવે તો, કપડવંજ તાલુકાના આંત્રોલી ગામે સંજયભાઈ કાળાભાઇ રાઠોડ રહે છે. તેણે તાલુકાના એક ગામની તેર વર્ષ અને છ મહિનાની સગીરા સાથે આજથી નવ મહિના પહેલા તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. તે પોતાના ઘરે એકલી હતી તે સમયે તેણે આ કૃત્ય આચર્યું હતું. તેમજ આ વાતની જાણ કોઈને કરીશ તો તને બદનામ કરી દઈશ તેવી ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેથી તે ગર્ભવતી બની ગઈ હતી.
આ બાબતે આતરસુંબા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ કેસ નડિઆદના સ્પે. પોક્સો જજ એસ. પી. રાહતકરની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ યોગી કે. બારોટે જરૂરી પુરાવાઓ અને દસ્તાવેજો રજૂ કરીને પોતાની દલીલો કરી હતી. તેમજ સગીર વયની બાળકીઓ જે કુમળી વયની છે તેમની સાથે આવી ઘટનાઓ વધી રહી છે, સુપ્રીમ કોર્ટે પણ આવી ઘટનાઓ સામે લાલ આંખ કરી છે, ત્યારે આવા કેસમાં આરોપીને વધુમાં વધુ આકરી સજા થવી જોઈએ. જેથી સમાજમાં મજબૂત સંદેશો મળે અને આવા ગુનાઓ થતા અટકે, જે સંબંધે ફરિયાદપક્ષ તરફે કુલ ૧૦ સાહેદો તથા ૨૮ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ તેમજ સરકારી વકીલ યોગી કે. બારોટની દલીલોને ધ્યાને રાખીને આરોપી સંજયભાઇ કાળાભાઈ રાઠોડને વીસ વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા ત્રીસ હજારનો દંડ અને ભોગ બનનારને રૂપિયા પાંચ લાખ વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કર્યો છે.
સગીરાએ બાળકને જન્મ આપતા બાળક અને સંજયના ડીએનએ મેચ થતાં બાળક સંજયનું હોવાનું ખુલ્યું હતું. હાલ બાળક સુરક્ષા કેન્દ્રમાં સોંપવામાં આવ્યું છે ત્યાં તેની સાર સંભાળ રાખવામાં આવી રહી છે.
રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )