લેબેનોન અને સીરિયાના અમુક ભાગમાં ક્રમબદ્ધ રીતે થઈ રહેલા પેજર બ્લાસ્ટથી દરેક લોકો ચોંકી ગયાં છે. આ હુમલો એટલો સુનિયોજીત હતો કે, લેબેનોનમાં સતત એક બાદ એક પેજર બ્લાસ્ટથી દરેક જગ્યાએ ડરનો માહોલ બની ગયો છે. લેબેનોનમાં ઉગ્રવાદી જૂથ હિજબુલ્લાહને નિશાનો બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. લેબેનોને આ હુમલામાં ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે. આ સમગ્ર મામલે પેજર બનાવનારી તાઇવાનની કંપનીએ ઘટના પર પ્રતિક્રિયા આપી છે.
આ હુમલાથી ચર્ચામાં આવેલી તાઇવાનની ગોલ્ડ અપોલો કંપનીના ફાઉન્ડર અને ચેરમેન સુ ચિંગ કુઆંગ (Hsu Ching Kuang) એ કહ્યું કે, ‘જે પ્રોડક્ટમાં બ્લાસ્ટ થયો છે, તે અમારા ન હતાં. આ પ્રોડક્ટ માટે ફક્ત અમારી બ્રાન્ડના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે જવાબદાર કંપની છીએ, પરંતુ આ ઘટના ખૂબ જ શરમજનક છે. અમારી કંપનીએ આ પેજર્સ નથી બનાવ્યાં. આ પેજર્સને યુરોપની એક કંપનીએ બનાવ્યા હતાં. જેની પાસે અમારી કંપનીના બ્રાન્ડનું નામ ઉપયોગ કરવાનો અધિકાર છે.’ જોકે, તેઓએ આ કંપનીનું નામ જણાવ્યું નથી.
ક્યારે અને કેવી રીતે થયા બ્લાસ્ટ?
લેબેનોનની રાજધાની બેરૂત અને દક્ષિણ લેબેનોનના ઘણાં વિસ્તારોમાં વિશેષ રૂપે પૂર્વી બેકા વેલીમાં સ્થાનિક સમયાનુસાર બપોરે, 3:30 વાગ્યે પેજરમાં સીરિયલ બ્લાસ્ટ થવાના શરૂ થયાં. આ વિસ્તારોને હિજબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ, આ બ્લાસ્ટ લગભગ એક કલાક સુધી થયા હતાં. દાનિયાહ વિસ્તારના સ્થાનિક વિસ્તારના લોકોનું કહેવું છે કે, તેમને લગભગ એક કલાક સુધી ધમાકાના અવાજો સંભળાતા હતાં.
હિજબુલ્લાહના લોકો કેમ કરે છે પેજરનો ઉપયોગ?
ગત વર્ષે સાત ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલા બાદ જ હિજબુલ્લાહના ટોચના નેતૃત્વએ પોતાના લોકોને કોમ્યુનિકેશન માટે મોબાઇલ અથવા ઈન્ટરનેટની બદલે પેજરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. જેની પાછળનું કારણ છે કે, ઈઝરાયેલની સેના અને મોસાદ સતત હિજબુલ્લાના લોકોના લોકેશન ટ્રેક કરે છે. પેજરની વિશેષતા છે કે, તેના ઉપયોગથી લોકેશન ટ્રેક કરી શકાતું નથી.