ભારતમાંથી દર વર્ષે અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે લાખોની સંખ્યામાં અરજીઓ થતી હોય છે ત્યારે અમેરિકાના સ્ટુડન્ટ વિઝાના અપ્રુવલમાં આ વર્ષે મોટો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે ઓગસ્ટમાં જ્યાં 12,887 સ્ટુડન્ટ વિઝા અરજી માન્ય થઈ હતી ત્યારે આ વર્ષે માત્ર 5532 અરજીઓ જ માન્ય થઈ હતી. જો કે બીજી બાજુ વિઝિટર્સ વિઝામાં વધારો થયો છે.
ગત વર્ષે ઓગસ્ટમાં 12,867 વિઝા ઈસ્યુ થયા હતા અને આ વર્ષે ઓગસ્ટમાં 5532 વિઝા જ અપ્રુવ થયા
ભારતમાંથી વિદેશોમાં જતા અને ખાસ કરીને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે એફ-1 કેટેગરી વિઝા પર જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે 2024માં મોટો ઘટાડો નોંધાયો છે.યુએસ વિઝા અપ્રુવલ ડોક્યુમેન્ટના સરકારની વેબસાઈટ પરથી મળતા આંકડાઓ મુજબ ગત વર્ષે 20-2023માં જુનમાં 40,224 સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થયા હતા જ્યારે આ વર્ષે જુનમાં 26,747 થયા છે. ગત વર્ષે જુલાઈમાં 31,803 અને ઓગસ્ટમાં 12,867 અપ્રુવ થયા હતા.જ્યારે આ વર્ષે જુલાઈમાં 14,607 અને ઓગસ્ટમાં 5532 સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થયા છે.
આમ જ્યાં 2023માં કુલ 88,556 સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થયા હતા ત્યાં આ વર્ષે 58,726 સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થયા છે. આમ 20 થી 25 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.આ અંગે સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરે જણાવ્યુ હતું કે આ વર્ષે અત્યાર સુધીનો મોટો ઘટાડો સામે આવ્યો છે અને તેની પાછળ ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા અમેરિકન યુનિ.ઓ માટેનું સીલેકશન, એકેડેમિક -કોર્સના સીલેકશન માટેનું રિસર્ચ તેમજ માસ્ટર ડિગ્રી કોર્સીસમાં પ્રવેશ માટેની ટોફેલ-જીઆરઈ પરીક્ષાઓમાં ઓછી તૈયારી સહિતના અનેક કારણો છે.
બીજી બાજુ ભારતમાંથી અમેરિકામાં વિઝિટર વિઝા પર જતા લોકોમાં ભારે વધારો જોવા મળ્યો છે. અમેરિકામાં વિઝિટર વિઝાની બી1 – બી2ની કેટેગરીના બે વર્ષના આંકડાઓ જોઈએ તો એપ્રિલ 2023માં જ્યાં વિઝિટર વિઝા 50,525 અપ્રુવ થયા હતા ત્યાં આ વર્ષે એપ્રિલમાં 1,01,760 અપ્રુવ થયા છે. ઓગસ્ટ 2023માં 49,652 વિઝિટર વિઝા અપ્રુવ થયા હતા ત્યારે આ વર્ષે ઓગસ્ટમાં 59,903 વિઝા અપ્રુવ થયા છે.
કુલ મળીને ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટમાં કુલ 2,61,405 વિઝિટર વિઝા અમેરિકન ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અપ્રુવ થયા હતા ત્યારે આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટમાં કુલ 2,64,841 વિઝા અપ્રુવ થયા છે.એક લાખથી વઘુનો વધારો જોવા મળ્યો છે.