પાકિસ્તાનમાં આયોજિત શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન(SCO)ની આગામી બેઠકમાં સામેલ થવા માટે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર આ મહિનામાં પાકિસ્તાનની યાત્રાએ જવાના છે. લગભગ નવ વર્ષ બાદ પહેલી વખત કોઈ ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાત લેશે.
જમ્મુ અને કાશ્મીરનો મુદો અને આતંકવાદને લઈને બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આ દરમિયાન એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, કદાચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ શકે છે. હવે જયશંકરે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
#WATCH | Delhi: On his upcoming visit to Pakistan to attend the SCO summit, EAM Dr S Jaishankar says, "…It (visit) will be for a multilateral event. I'm not going there to discuss India-Pakistan relations. I'm going there to be a good member of the SCO. But, you know, since I'm… pic.twitter.com/XAK2Hg3qSX
— ANI (@ANI) October 5, 2024
SCOના એક સારા સભ્ય તરીકે ત્યાં જઈ રહ્યો છું
વિદેશ મંત્રી એસ જયશંકરે ઈસ્લામાબાદ જતા પહેલા સ્પષ્ટતા કરી છે કે, તેમની આગામી પાકિસ્તાન યાત્રા દરમિયાન ભારત-પાકિસ્તાન સંબંધો પર કોઈ વાતચીત કરશે નહીં. દિલ્લી ખાતે એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું કે, ‘આ યાત્રા બહુપક્ષીય કાર્યક્રમ માટે છે. હું ત્યાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર ચર્ચા કરવા નથી જઈ રહ્યો. હું SCOના એક સારા સભ્ય તરીકે ત્યાં જઈ રહ્યો છું. પરંતુ, તમે જાણો છો, હું એક વિનમ્ર અને સભ્ય વ્યક્તિ છું, તેથી હું તેવું જ વર્તન કરીશ.’
સાર્કને વિક્ષેપિત કરવા માટે પાકિસ્તાન જવાબદાર
જયશંકરે સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજનલ કો-ઓપરેશન (SAARC)ને વિક્ષેપિત કરવા માટે પાકિસ્તાનને દોષી ઠેરવતા પરોક્ષ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, ‘હાલમાં સાર્ક આગળ વધી રહ્યું નથી, સાર્કની કોઈ બેઠક થઈ નથી. તેનું એક ખૂબ જ સરળ કારણ છે, સાર્કનો એક સભ્ય સાર્કના બીજા સભ્ય વિરુદ્ધ સરહદ પારના આતંકવાદને સમર્થન આપી રહ્યો છે. જેને સહન કરી શકાય તેમ નથી.’ ભારતે હંમેશા કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સીમા પારના આતંકવાદને ટેકો આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તેની સાથે દ્વિપક્ષીય મંત્રણા કરવામાં આવશે નહીં.
15 અને 16 ઓક્ટોબરે પાકિસ્તાનમાં SCOની બેઠક યોજાશે
પાકિસ્તાન 15 અને 16 ઓક્ટોબરે SCOની કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ(CHG) બેઠકનું આયોજન કરશે. નોંધનીય છે કે, આ પહેલા ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ડિસેમ્બર 2015માં અફઘાનિસ્તાન પર આયોજિત ‘હાર્ટ ઓફ એશિયા’ સંમેલનમાં ભાગ લેવા ઈસ્લામાબાદ ગયા હતા.