નાણાંકીય સેવા ક્ષેત્રે વિશ્વભરમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના વપરાશમાં થઈ રહેલા વધારા સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે ચેતવણી ઉચ્ચારી છે અને એઆઈને કારણે નાણાંકીય સ્થિરતા સામે જોખમ રહેલા છે જેને ખાળવા બેન્કો દ્વારા પૂરતા જોખમ સંચાલન પગલાંની આવશ્યકતા પર પણ તેમણે ભાર મૂકયો હતો. સોશ્યલ મીડિયા સામે પણ જાગૃત રહેવા તેમણે દેશની બેન્કોને સૂચન કર્યું હતું.
બેન્કો દ્વારા એઆઈ પર વધુ પડતી નિર્ભરતામાં મોટા જોખમો રહેલા છે, જે જંગી નુકસાની ઊભી કરી શકે છે. એઆઈના વધી રહેલા ઉપયોગથી સાઈબર હુમલા તથા ડેટા ચોરી જેવી નવી નબળાઈઓ પણ ઊભી થઈ શકે છે.
એઆઈની અસ્પષ્ટતા નિર્ણયો તરફ દોરી જતા એલ્ગોરિધમ્સને ઓળખવાનું મુશકેલ બનાવે છે, જેને કારણે બજારમાં અણધાર્યા પરિણામો જોવા મળવાનું જોખમ રહેલું છે, એમ આરબીઆઈ દ્વારા દિલ્હી ખાતે યોજાયેલી પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું.
આ દરેક જોખમો સામે સુરક્ષિત રહેવા બેન્કો તથા અન્ય નાણાં સંસ્થાઓએ દરેક શકય પગલાં લેવા જોઈએ એવું પણ તેમણે સૂચન કર્યું હતું. આજના સમયમાં જ્યાં સોશ્યલ મીડિયા અને ઓનલાઈન બેન્કિંગનો વ્યાપક વપરાશ થઈ રહ્યો છે ત્યારે અફવાઓ અને ખોટી માહિતીઓને પરિણામે લિક્વિડિટી તાણ ઊભી થઈ શકે છે માટે બેન્કોએ સોશ્યલ મીડિયા સંદર્ભમાં સાવધ રહેવાની જરૂર છે અને તેમના લિક્વિડિટી બફર્સને મજબૂત બનાવવો જોઈએ.
ટેકનોલોજીઓ નાણાંકીય સ્થિરતા સામે જોખમો ધરાવે છે. બેન્કોએ એઆઈનો લાભ લેવો જોઈએ અને નહીં કે એઆઈને પોતાના પર હાવી થવા દેવી જોઈએ નહીં.
ખાનગી ધિરાણ બજારો વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહી છે જેના પર મર્યાદિત નિયંત્રણો રહે છે. આવી ખાનગી બજારો નાણાંકીય સ્થિરતા સામે જોખમો ધરાવે છે એમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.