મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા જિલ્લો ભરૂચ-નર્મદાની ટીમ દ્વારા નવરાત્રિ-દશેરા દરમિયાન તેમજ દિવાળી તહેવારો સંદર્ભે સતત ચેકિંગ ચાલી રહી છે. ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ વિભાગ દ્વારા થયેલ આકસ્મિક તપાસમાં બટાકા-કેળા વેફર્સના વેપારી એકમો તેમજ વધુ ભાવ લેતા અંદાજિત ૩૫ એકમોની તપાસ કરવામાં આવી હતી.
વેપારી-ઉત્પાદકો સામે કાયદાના ભંગ બદલ અસરકારક કામગીરી કરીને ગ્રાહકોનું હિત જળવાય તે માટે વિભાગ દ્વારા કિંમત કરતા વધુ ભાવ લેવા અંગે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરીને ઓક્ટોબર માસમાં કુલ રૂ. ૧૮૩૦૦ ની માંડવાળ ફી ની વસુલાત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, તા. ૧૩ મી સપ્ટેમ્બરના રોજ તોલમાપ વિભાગ દ્વારા તિલકવાડા તાલુકાના વિવિધ સ્થળોએ કુલ ૪૫ એકમોની તપાસ કરી હતી. જેમાં ૧૩ એકમો સામે નિયમાનુસાર કાર્યવાહી કરીને રૂ. ૯૩૦૦ ની માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી.
ગ્રાહકોના હિતોનું વ્યાપક ફલક પર રક્ષણ થાય તે માટે તોલમાપ વિભાગ દ્વારા થયેલી અસરકારક કામગીરી રહી છે. તેમ, મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી ભરૂચ-નર્મદા તરફથી પ્રાપ્ત થયેલી અખબારી યાદીમાં જણાવાયું છે.