સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન “સહિ પોષણ – દેશ રોશન”ના આધારે નિર્મિત અને વિશ્વના સર્વ પ્રથમ ટેકનોલોજી આધારીત ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં ટોય ટ્રેનનો ફરી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રેન ખાસ કરીને બાળકો અને પરિવાર સાથે આવેલા પ્રવાસીઓમાં લોકપ્રિય છે. રાજ્ય સરકારના માર્ગદર્શક નિયમો અનુસરીને જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ટ્રેનનું વિધિવત સંચાલન શરૂ થયું છે, જે પ્રવાસીઓને આનંદદાયી અનુભવ આપશે.આ માટે તમામ સુરક્ષા અંગે સરકારશ્રીન પ્રવર્તમાન નિયમોનું પાલન કરવામાં આવશે.
ટ્રેનના પુનઃશરુઆત સમારોહમાં અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણીયા, નાયબ કલેક્ટર દર્શક વિઠલાણી, એકાઉન્ટ ઓફિસરશ્રી રાજ ગર્ગ, પ્રોગામ ઓફિસર દક્ષાબેન ચોહાણ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ જરૂરી સુરક્ષા ચકાસણીઓ પૂર્ણ કર્યા બાદ ટ્રેનને ચલાવવાનો લાઇસન્સ આપવામાં આવ્યું છે, જેથી પ્રવાસીઓની સુરક્ષા અને સુખાકારી પ્રાથમિકતા બને.
હાલમાં રાજકોટમાં બનેલી એક ટોય ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજયભરના બધા ટોય ટ્રેનોની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ટ્રેનની ફરી શરૂઆત સાથે પણ તમામ સલામતી ઉપાયોને ચુસ્ત બનાવવામાં આવ્યા છે, જે નાના બાળકો અને તેમના માતા-પિતાને નિરાંતે અને મસ્તીભર્યો અનુભવ આપશે.
પોષણ જાગૃતિ અને મનોરંજનનું કેન્દ્ર
ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત એક વિશિષ્ટ પ્રોજેક્ટ છે, બાળકોને રમતગમત અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પોષણ વિશે જાગૃત બનાવે છે. વિશ્વના પ્રથમ ટેક્નોલોજી આધારિત આ ન્યુટ્રિશન પાર્કમાં બાળકો મોજમસ્તી સાથે આરોગ્યપ્રદ જીવનશૈલી વિશે શિખી શકે છે.
પ્રવાસીઓ માટે નવો ઉત્સાહ
દિવાળીના વેકેશનમાં મોસમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ જામી રહી છે. ટોય ટ્રેનની પુનઃશરુઆતથી પ્રવાસીઓમાં નવી ઉર્જા અને ઉત્સાહ છલકાયો છે. આ મજેદાર યાત્રા બાળકો માટે રોમાંચક સાબિત થશે, તો વડીલો માટે પણ શાંતિભર્યો અને યાદગાર અનુભવ બની રહેશે.