કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય તેમ ટકોર કરી. મહાભારત તત્ત્વ સાથે રામકથાનો લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે.
રામકથા ‘માનસ પિતામહ’ ગાન કરતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ અયોધ્યામાં રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુઘ્ન જન્મ ઉજવણી સાથે શિવજી આગમન, નામકરણ, યજ્ઞોપવિત, વશિષ્ઠ ઋષિ અને ગુરૂકુળ વિદ્યાપ્રાપ્તિ તેમજ વિશ્વામિત્ર ઋષિ વગેરે પ્રસંગ વર્ણન કર્યું. મહાભારત તત્ત્વ સાથે આ રામકથામાં કર્ણ અને કુંતા સંવાદ તેમજ સત્યવાન અને સાવિત્રી ચરિત રજૂ થયું.
નાનકડાં એવા કાકીડી ગામમાં રામકથા ‘માનસ પિતામહ’ પ્રારંભ થયાને છઠ્ઠા દિવસે મોરારિબાપુએ રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય તેમ ટકોર કરી. રામનાં નામે શોષણ પણ થઈ રહ્યાનો હળવો વસવસો વ્યક્ત કરી સાવધાન રહેવાં જણાવ્યું.
ગઈકાલનાં કથા સંદેશ અર્થ આગળ વધારતાં ત્રિભુવનદાદાનાં સ્મરણ સાથે બાલકાંડ એ પ્રકાશ, અયોધ્યા કાંડ એ પ્રેમ, અરણ્યકાંડ એ પ્રેરણા, કિષ્કિંધાકાંડ એ પ્રાણવાયુ… તેમજ સુંદરકાંડ, લંકાકાંડ તથા ઉત્તરકાંડ દ્વારા મળતાં ભાવઅર્થો સમજાવ્યાં.
કથામાં મોરારિબાપુએ શીખ આપી કે, ટીકા કરે તેની ઊર્જા વપરાતી હોય છે અને આ ટીકા હસી કાઢે તેની ઊર્જાની બચત થાય છે, તેઓએ મૌનનું પણ મહાત્મ્ય જણાવ્યું.
કથા પ્રવાહ સાથે પ્રાસંગિક કરતાં સ્વામી સચ્ચિદાનંદજીનાં શબ્દો યાદ કરી કહ્યું કે, ભૂલ અને પાપ બંને અલગ છે. મોરારિબાપુએ આ ગામ અને પંથકનાં જુદા જુદા સ્થાનોનું સ્મરણ કરવાં સાથે કોંઝળીનાં જીવણદાદા મહેતા અને પરંપરા સાથેની રોચક વાત કરી. આ સાથે જ તેઓએ પોતે સનાતન વૈદિક ધર્મ માટે કાર્યરત હોવાનું ગૌરવ વ્યક્ત કરેલ.
આ કથા પછી કાકીડી અને પંથકમાં વ્યસનો છોડવાં, જમીનનાં દબાણો હટાવવાં, ચોરી ન કરવાં વગેરે સંકલ્પો કરવા પર ભાર મૂક્યો. આ ગામમાં કથા માટે ખેતીની જમીન કોઈ અપેક્ષા વગર આપનાર તેમજ વિવિધ સેવામાં જોડાયેલ સૌ કોઈ પ્રત્યે મોરારિબાપુએ અહોભાવ અને રાજીપો વ્યક્ત કરેલ.