ધોળા ધનાબાપા જગ્યા મંદિરમાં પાટોત્સવ સાથે ભોજનાલય લોકાર્પણ, પૂજન વંદના, રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગે ધર્મસભામાં આત્માનંદજી સ્વામીએ જણાવ્યું કે, સંત વચન મંગળકારી હોય છે, ભક્ત એ ભગવાનની ઓળખ છે.
ગોહિલવાડની સનાતન જગ્યા ધોળા ધનાબાપા જગ્યામાં વસંત પંચમી પર્વે આઠમો પાટોત્સવ સંતો, અગ્રણીઓ અને દાતાઓ તથા સેવકોની ઉપસ્થતિમાં યોજાઈ ગયો.
ધનાબાપા જગ્યા મંદિરમાં પાટોત્સવ પ્રસંગે યોજાયેલ ધર્મસભામાં મહંત બાબુરામ ભગતનાં નેતૃત્વ સાથે યોજાયેલ ધર્મસભામાં સનાતન ધર્મનાં પ્રખર સાધક આત્માનંદજી સ્વામીએ ધનાભગતનાં ચરિત્ર ઉલ્લેખ કરી ઘઉંનાં તુંબડાની વાત જણાવી શ્રદ્ધા અને વિશ્વાસ ત્તત્વ સમજાવ્યું. સંત વચન મંગળકારી હોય છે, ભક્ત એ ભગવાનની ઓળખ છે. આપણાં માટે ગંગાસતી, પાનબાઈ તથા ધનાબાપાએ વેદોનું ભાષાંતર કરી આપ્યાનો ભાવ જણાવ્યો. તેઓએ યુવાનો તેમજ બહેનોને રાષ્ટ્ર નિર્માણ હેતુ સંસ્કાર માટે ભાર મૂક્યો.
આ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદમાતાજીએ પ્રસન્નતા વ્યક્ત કરવા સાથે કહ્યું કે, આપણે મંદિરો સાથે ચરિત્ર નિર્માણ માટે કાર્યરત રહેવું પડશે.
સંત ધનાબાપા ભોજનાલય નિર્માણ માટે કાળુભાઈ ખૂંટ, સમજુબેન ખૂંટ, રેખાબેન ખૂંટ, જશુબેન ખૂંટ સાથે શોભનાબેન ખૂંટ અને અન્ય દાતાઓ દ્વારા ઉદારતાથી સહયોગ પ્રાપ્ત થયો છે. આ ભોજનાલયનું સંતોનાં હસ્તે દાતાઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. દાતાઓનું તથા સેવાભાવિઓનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું. આ સાથે જ વૃક્ષારોપણ અને રક્તદાન શિબિર રાખવામાં આવેલ.
આ પ્રસંગે હિંમતભાઈ ભિંગરાડિયાએ અહીંની દાતાઓની સેવા બિરદાવી અને અન્ય સખાવત સાથે સંસ્કૃતિનાં જતન માટે મંદિરો માટે પણ દાન જરૂરી હોવાનું જણાવ્યું.
લાભપાંચમ પર્વે આ પાટોત્સવ પ્રસંગે સુરેશભાઈ ભિંગરાડિયા પરિવાર દ્વારા ધ્વજારોહણ વિધિ થઈ.
ધનાબાપા સેવા સંસ્થાન પ્રમુખ ગણેશભાઈ ખૂંટે સ્વાગત ઉદ્બોધન કર્યું.
અહીંયા વિષ્ણુબાપુ, મૂકેશગિરિબાપુ, ભરતદાસબાપુ, ભિખુબાપુ સહિત સંતો, મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી.
દર્શન કાકડિયા તથા કમલેશ ભિંગરાડિયાનાં સંકલન સંચાલન સાથે આ કાર્યક્રમમાં આભાર વિધિ ડાયાભાઈ કાકડિયાએ કરી.
ધનાબાપા સેવા સંસ્થાન તથા ધનાબાપા મહિલા મંડળ સાથે ભાવિક સેવકો દ્વારા સુંદર આયોજન થયું અને સૌ પૂજન દર્શન સાથે ભોજન પ્રસાદ લાભ લીધો.