કપડવંજ અને વાત્રકકાંઠા વિસ્તારમાં ઠંડીની શરૂઆતનો શુભારંભ થઈ ચૂક્યો છે. નવા વર્ષની ઉજવણીની સાથે જ પંથકજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ પંથકમાં સૂકા ઘાસચારાનો પ્રશ્ન પશુપાલકોને મૂંઝવી રહ્યો છે. આ અંગે આ પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહજી સોલંકીના જણાવ્યા મુજબ શિયાળનો શુભારંભ થયો હોવા છતાં આ પંથકમાં સૂકા અને લીલા ઘાસચારાનો પ્રશ્ન યથાવત રહેવા પામ્યો છે. આ પંથકમાં ચોમાસુ પાકમાં મગફળી અને ડાંગરનો પાક લેવાય છે. મોટાભાગના ખેતરોમાંથી મગફળી અને ડાંગરનો પાક લેવાઈ ચૂક્યો છે. મગફળીનો સુકો ઘાસચારો એટલે કે મગફળીનું ગાંતર એ દુધાળા પશુઓ માટે ઉત્તમ ઘાસચારો ગણાય છે. ઘણા પશુપાલકો આ ઋતુમાં મગફળીના સૂકા ઘાસચારાનો સંગ્રહ કરી લેતા હોય છે. જ્યારે ડાંગરના પુડીયા તેમજ ડાંગરના સૂકાઘાસ ચારાના ગઠ્ઠા પણ આખા વર્ષ માટે સંગ્રહિત કરવાની કામગીરી આ ઋતુમાં પશુપાલકો અપનાવતા હોય છે. આ અંગે રવદાવત ગામના ફતેસિંહજી ઝાલાના જણાવ્યા મુજબ આ વર્ષે શિયાળાના શુભારંભે જ સૂકા ઘાસચારાની અછતનો પ્રશ્ન પશુપાલકોને મૂંઝવણમાં મૂકી રહ્યો છે. ચોમાસુ પાકની કાપણી પહેલા જ ખેતરોનો સૂકો ઘાસચારો અગાઉથી જ વેચાણ કરી દેવામાં આવે છે. જેથી કરીને છૂટક ઘાસચારો ખરીદનાર પશુપાલકોને આ ઘાસચારો મોંઘો પડી રહ્યો છે. હાલમાં આ પંથકમાં મગફળીનુ ગાંતર 20 કિલોના દોઢસો રૂપિયાથી પણ વધારે ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે ડાંગરના 100 પુડીયાં 400 રૂપિયાના ભાવે વેચાણ થઈ રહ્યું છે. આમ છતાં ઘાસચારાનો અભાવ હોઇ પંથકના પશુપાલકો આ ઘાસચારો ખરીદી રહ્યા છે. આ સાથે જ પરિવહનનો ખર્ચ તેમજ મજુરી અલગથી ચૂકવવી પડે છે. જેથી કરીને સૂકો ઘાસચારો પશુપાલકો માટે મોંઘો બની રહ્યો છે. સાથે સાથે જ કેટલ ફૂડ એટલે કે કપાસિયા ખોળ, દાણ, મકાઈ પાપડી અને અન્ય દુધાળા પશુઓ માટેનો ખોરાક પણ દિન પ્રતિદિન મોંઘો બનતો જઈ રહ્યો છે. ત્યારે પશુપાલકો અને ખેડૂતોના આ પ્રશ્નને હળવો બને એ માટે પ્રયત્નો કરવામાં આવે એવી લાગણી અને માંગણી પંથકના પશુપાલકોમો વ્યાપી રહી છે.