ઉમરેઠ ગામમાં છેલ્લા લાંબા સમયથી એક પછી એક ચકચારી ઘટનાઓ થતાં નગરજનો ચિંતામાં મુકાયા છે. મુળ ઘટના એવી છે કે ઉમરેઠના દામોદર વડ પાસે ખાડી તલાવડી પાસેનાં ખેતર અમુક વ્યક્તિઓ દ્વારા સાંથે રાખીને ખેતી કરાઈ રહી છે. પણ આજરોજ તે ખેડૂતોએ ઉમરેઠ પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા જવાની ફરજ પડી છે. તેમના કહ્યા મુજબ છેલ્લા લાંબા સમયથી પંદરથી વિસ ગાયોનું ટોળું રોજ રાત્રે અમારા ખેતરોમાં આવે છે અને મહા મુસીબતે રોપણી કરેલો અને ઉભો થયેલો પાક સાફ કરી નાખે છે. વધુમાં ખેડૂતોએ પોતાની વેદના ઠાલાવતા કહ્યું કે અને ગરીબ લોકો છીએ, ઘરની સ્ત્રીઓ ની જણસો ગીરવે મૂકીને ખેતર માલિક પાસે સાંથે ખેતર રાખીએ છીએ, ઉછીના પછીના પૈસા કરીને પાક ઉગાડવા મહેનત કરીએ છીએ જેથી અમારા પરિવારનું ગુજરાન ચાલી શકે. પણ જો આવી રીતે ગાયોના માલિક રાત્રે અમારા ખેતર તરફ ગાયો છોડી જાય અને ગાયો અમારો ઉભો પાક ખલાસ કરી નાખે તો અમારી પાસે આપઘાત કર્યા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી.
લાંબા સમયથી ગાયોનાં ભેલાણથી થાકી હારીને ગઈકાલે ખેડૂતો એકઠા થયાં અને રાત્રે જાગીને કુલ નવ (9) ગાયને પોતાના ખેતરમાં ઉભો પાક ચરતી પકડી. દરેક ગાયોને પકડીને ખેડૂતોએ એક જગ્યાએ બાંધી દીધી અને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગાયોનાં માલિક સામે લેખિત ફરિયાદ કરવામાં આવી. ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમારી એક વ્યક્તિની બે બે ત્રણ ત્રણ વીંઘા જમીનનો ઉભો પાક આ ગાયો દ્વારા ખલાસ થઇ ગાયો છે અને સરવાળો મારીએ તો 30 વીંઘાથી પણ વધુનો પાક ગાયોનાં ભેલાણમાં ખલાસ થઇ ગયો. હવે અમારી આ નુકશાની ની ભરપાઈ શું ગાયોનાં માલિક કરશે ? જણસો ગીરવે મૂકીને ખેતી કરનારની ખેતી વારંવાર જે ગાયો દ્વારા બગડે છે તો તેમના માલિકોની જવાબદારી શા માટે નથી બનતી ?
હવે આ કેસમાં એક તરફ ગરીબ ખેડૂતો જે સાંથે ખેતર રાખીને ખેતી કરીને ગુજરાન ચલાવે છે અને બીજી તરફ એવા માલિકો જે પોતાની ગાયોને ખેતર તરફ ભેલાણ કરવા છોડી જાય છે. શું લાંબા સમયથી પોતાની નજર સામે પોતાની ખેતીને બગડતા જોવા વાળાને ન્યાય મળશે કે આ જ રીતે ભવિષ્યમાં પમ ખેડૂતો ગાયોનાં ભેલાણથી ત્રસ્ત રહેશે તે જોવાનું રહ્યું.