પ્રાકૃતિક ખેતી, ખાસ કરીને ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વૈજ્ઞાનિક અભિગમ અને પરંપરાગત જ્ઞાનના સંમિશ્રણથી બનેલી આ ખેતી પદ્ધતિમાં દેશી ગાયના છાણ અને મૂત્રથી તૈયાર કરાયેલા જીવામૃત અને ઘનમૃત જેવા કારગર જૈવિક ખાતરોનો ઉપયોગ થાય છે, જે ઓછા ખર્ચે ઊંચું વળતર આપીને પ્રકૃતિ અને માનવીના આરોગ્યને સુરક્ષિત રાખે છે.
કઠલાલ તાલુકાના અરાલ ગામના પ્રગતિશીલ ખેડૂત દલપતસિંહ નાથાભાઈ ડાભીને આ સરળ વાતની સમજાતા તેઓએ પ્રાકૃતિક ખેતીની દિશા પકડી છે. તેઓએ પોતાની એક વીઘા જમીનમાં લીલા લસણની પ્રાકૃતિક ખેતી કરીને માત્ર એક સીઝનમાં ૭ લાખ રૂપિયા જેટલું આવક વળતર મેળવ્યુ છે. લસણની ખેતીમાં તેમનો ખર્ચ માત્ર ૨.૫ લાખ રૂપિયા થયો, જેની સામે તેમને બમણું વળતર મળ્યું.
દલપતસિંહે ત્રણ વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. અગાઉ તેઓ રાસાયણિક ખાતર આધારિત પરંપરાગત ખેતી કરતા હતા, જેનાથી જમીન અને પાકની ગુણવત્તા પર નકારાત્મક અસર થતી હતી. પ્રાકૃતિક ખેતીની જાણકારી મળ્યા પછી, તેઓ સંપૂર્ણ દેશી ગાય આધારિત પદ્ધતિથી ખેતી કરે છે. તેઓ ગીલોડી, ગવાર, કાકડી જેવા શાકભાજી પાકો સાથે મિશ્ર પાક ખેતી કરી વર્ષભરમાં સતત આવક મેળવે છે.
રસપ્રદ છે કે કઠલાલ તાલુકાનું અરાલ ગામ લીલા લસણના રોકડિયા પાક માટે જાણીતું છે. અહીં મોટાભાગના ખેડૂતો શિયાળામાં લીલા લસણનું વાવેતર કરે છે. જેમાં ઘણા ખેડુતોએ લસણની ખેતીમાં પ્રાકૃતિક અભિગમ અપનાવતા તેમનો ખર્ચ ઘટ્યો છે.
નોંધનીય છે કે ખેડા જિલ્લામાં ખેતી સંબધિત તમામ વિભાગો અને કચેરીઓ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ તાલીમ કાર્યક્રમો અને સરકારી સહાય આપવામાં આવે છે. જેમાં,બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીથી શાકભાજીના વાવેતર માટે હેક્ટર દીઠ રૂ. ૨૦,૦૦૦ સુધીની સહાય આપી ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું આ મૉડેલ માત્ર ખેડૂત સમુદાય માટે નઈ, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રકૃતિ સાથેના સંવાદને પુન:સ્થાપન કરવા માટેનો અનુકરણીય પ્રયાસ છે.