ડાકોરમાં આવેલ ભવન્સ ઈંગલીશ મિડિયમ સ્કૂલમાં ધો. ૫માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શાળાના શિક્ષકે ગાલ પર ઉપરાં છાપરી લાફા માર્યા હતા. જેના કારણે વિદ્યાર્થીના ડાબા કાન પર સોજો આવી ગયો હતો. તેમજ કાનમાંથી લોહી પણ નિકળ્યું હતુ. જેથી વાલીએ આ બાબતે શાળા સંચાલકોને જાણ કરીને આવાશિક્ષક સામે કાર્યવાહી કરવા માટેની માંગણી કરી હતી. તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાછતાં પણ કોઈ જ કાર્યવાહી સત્તાવાળાઓ દ્વારા કરવામાં ના આવતા વાલીએ ડાકોર પોલીસ મથકે શિક્ષકની વિરુ કાર્યવાહી કરવા માટે અરજી આપી છે. સાથે સાથે સીસીટીવી ફૂટેજ પુરાવાર રૂપે આપી છે.
આ અંગેની વધુ માહિતી જોવામાં આવે તો, ઉમરેઠ તાલુકાના એક ગામનો વિદ્યાર્થી ધો.૫ માં ભવન્સ ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં અભ્યાસ કરે છે. જયારે આજ શાળામાં કરાટે શિક્ષક તરીકે રાજકુમા૨ સોની ફરજ બજાવે છે. તેમના પિતાએ જણાવ્યુ હતુ કે, મારો પુત્ર બપોરે ૩ઃ૧૫ કલાકે પોતાના વર્ગખંડમાં હાજર હતો અને તે વખતે રાજકુમાર જેઓ શિક્ષક તરીકે મારા દીકરાના વર્ગમાં હાજર હતા. તે વખતે મારા પુત્રને સામાવાળાએ અંગુઠા પકડવા માટે કહેતા મારા પુત્રએ શિક્ષકની ખુરશીની પાછળ અંગુઠા પકડેલા હતા. ત્યારબાદ બપોરના ૩ઃ૨૭ કલાકે મારા પુત્રને પોતાની પાસે બોલાવી વિના વાંકે તેની પાસે ગેરવર્તણુંક કરી તેના ડાબા ગાલે એક તથા જમણા ગાલે ૭ લાફા એકપછી એક માર્યા હતા. જેથી મારો પુત્ર ગભરાઈ ગયો હતો. ત્રણેક દિવસ બાદ મારા પુત્રના કાનમાં દુખાવો થયો હતો. તેમજ કાન પર સોજો આવી ગયો હતો. જેને પુછતા શાળામાં શિક્ષકે માર માર્યો હોવાનું જણાવ્યુ હતુ. જેથી ઘરમાં જ કાનના ટીપા નાખી આપી રાહત થાય તેમ કર્યું હતુ. પરંતુ મારા પુત્રને રાહત થઈ ન હતી. જેથી તા.૦૩/૧૨/૨૦૨૪ ના રોજ ઉમરેઠ ખાતે આવેલ સિવિલદવાખાનામાં લઈ ગયા હતા.જયાં તેને ફરજ પર હાજર તબીબે સારવાર આપેલ આપી આરામ કરવાનું જણાવ્યું હતુ. આ બાબતે શાળામાં જઈને શાળા સંચાલકને જાણ કરી હતી. પરંતુ શાળાના સંચાલકોએ શિક્ષક સામે કોઇ જ ફરિયાદ કે કાર્યવાહી કરી ન હતી. જાણે તેઓ શિક્ષકને છાવરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો. તેમજ આ શિક્ષક દ્વારાજે થાય તે કરી લો તેવી ધમકી આપીને શિક્ષકને ના છાજે તેવુ વર્તન કર્યું હતુ. જેથી આવા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે પોલીસને લેખિતમાં અરજી આપી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.