મોરબી અને રાજકોટની મળેલી બંને સગીરા પરિવારને સોંપાઇ
કપડવંજ ગ્રામ્ય પોલીસે બે અલગ-અલગ કેસમાં અપહરણ થયેલી બે સગીરાઓને બાતમીના આધારે શોધી કાઢી છે. જેમાં એક કેસમાં મોરબીથી અને બીજા કેસમાં રાજકોટથી શોધી કાઢયા હતાં. જે બાદ બંને સગીરાને પરિવારને સોંપી પોલીસે અપહરણના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે તા. ૩ ડિસેમ્બરના રોજ ૧૩ વર્ષીય સગીરાને વિશાલ ઉર્ફે દિનેશ અપહરણ કરી ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે એક ટીમ બનાવની શોધખોળ કરતાં વિશાલ ઉર્ફે દિનેશ મોરબી હોવાનું ધ્યાને આવતા પોલીસે બાતમી આધારિત સ્થળે દરોડો પાડી વિશાલ ઉર્ફે દિનેશને ઝડપી પાડયો હતો. ત્યારે સગીરાને પરિવારને સોંપવામાં આવી હતી.
બીજા બનાવમાં તા. ૨૮ ડિસેમ્બરના રોજ ૧૬ વર્ષીય કિશોરીને મહેશ નાયક અપહરણ કરી ભગાડી ગયો હતો. જે બાદ પોલીસે ટીમ બનાવી શોધખોળ કરતા મહેશ રાજકોટ હોવાની વિગતો બહાર આવી હતી. આ બાદ પોલીસ રાજકોટ ખાતેથી મહેશ સુરસીંગ નાયકની અટકાયત કરી સગીરાને પરિવારજનોને સોંપવામાં આવી હતી. આમ કપડવંજ ગ્રામ્ય પોલીસે અપહરણના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.