ખંભાત ખાતે ફરિયાદીના મિત્ર વિરૂદ્ધ ખંભાત રૂરલ પોલીસ મથકે ૧૪ પેટી વિદેશી દારૂરે પકડાતા પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. જે ગુનાની તપાસ કરનાર પીએસઆઈના રાઈટર તરીકે ફરજ બજાવતા રોશનકુમાર જગદીશભાઈ વણકર (રહે. ખંભાત) દ્વારા ફરિયાદીના મિત્રને હાજર કરાવવા તેમજ ફરિયાદીનું નામ પ્રોહિબિશનના ગુનામાં નામ નહીં ખોલવા માટે રોશનકુમારે ફરિયાદી પાસે પ્રથમ રૂા. ર લાખની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે ૧.૨૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરીથી રોશનકુમારે ફરિયાદી પાસે બીજા ૩૦ હજાર રૂપિયા ઉમેરીને ૧.૫૦ લાખની માંગણી કરી હતી.
જેથી ફરિયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૯૪ ઉપર સંપર્ક કરીને આણંદ એસીબી પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. જેને લઈને ગઈકાલે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસાર ફરિયાદી પોતાની કાર લઈને કલાદરા ગામના ત્રણ રસ્તા પાસે ગયા હતા. જ્યાં રોશનકુમાર આવી પહોંચ્યો હતો અને ગાડીમાં બેસીને હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ લાંચની રકમ આવતાં જ છટકામાં ગોઠવાયેલા એસીબીના અધિકારીઓ અને કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને રોશનકુમારને રંગેહાથ ઝડપી પાડીને તેના વિરૂદ્ધ ભ્રષ્ટ્રાચાર અધિનિયમનની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુતપાસ અમદાવાદ ગ્રામ્યના એસીબી પીઆઈ એન. એન. જાદવને સોંપવામાં આવી છે. જેઓ દ્વારા આ લાંચની માંગણી કોના કહેવાથી કરવામાં આવી હતી. બીજુ કોણ-કોણ સંડોવાયું છે જેવી બાબતોની તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.