બનાસકાંઠા જિલ્લા પાલનપુરના આઇ.સી.ડી.એસ ઘટક દ્વારા આયોજિત પોષણ ઉત્સવ-2024માં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતાઓને 18 જાન્યુઆરી, 2025ના રોજ ઘટક કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર વિશે જાગૃત કરવાનો હતો. આ માટે આંગણવાડી કેન્દ્રો દ્વારા માતૃ શક્તિ, બાલ શક્તિ અને પુર્ણા શક્તિ જેવા પોષણ પૂરક આપવામાં આવે છે. આ ઉપરાંત, મિલેટ (શ્રી અન્ન) જેવા પૌષ્ટિક અનાજનો ઉપયોગ કરીને પૌષ્ટિક વાનગીઓ બનાવવા પર ભાર મુકાયો હતો.
આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ મિલેટ અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે, આંગણવાડીના બાળકોએ બાળગીતો રજૂ કર્યા હતા અને કિશોરીઓએ ટી.એચ.આર. પેકેટ વિશેના પોતાના અનુભવો શેર કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સી.ડી.પી.ઓ.ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમ દ્વારા આંગણવાડી કાર્યકરોને પોષણયુક્ત આહાર વિશે જાગૃત કરવામાં આવી અને તેમને પોષણયુક્ત વાનગીઓ બનાવવાની પ્રેરણા મળી હતી.