નડિયાદ શહેરમાં સરદાર પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનો અંગે ભાડૂઆતોએ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ દાદ માંગી હતી, આ અંગે બુધવારે હાઈકોર્ટની ડબલ બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડબલ બેંચ દ્વારા ત્રણ સપ્તાહનો સમય આપી કમિશનર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજવા સૂચના આપી હતી, તેમજ મનપા વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરે ત્યાં સુધી દુકાનોને તોડવા અંગે નિર્ણય ન લેવા આદેશ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સરદાર પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનોનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને આ મામલે પહેલા નગરપાલિકાની નોટીસને માન્ય ઠરાવાઈ હતી. હવે આ સત્યા દુકાનદારો ડબલ બેચ સમક્ષ લઈ ગયા છે. જ્યાં આજે સુનાવણી દરમિયાન ન્યાયાધીશ દ્વારા મનપાને તાકીદ કરી છે. ખાસ તો 3 સપ્તાહનો સમય આપી આ દરમિયાન કમિશનર અને વેપારીઓ વચ્ચે બેઠક કરવામાં આવે અને તેમાં વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે ચર્ચા કરવા સૂચના આપી છે. તો સાથે જ આ આ અંગેનો રીપોર્ટ 3 સપ્તાહ બાદ હાઈકોર્ટમાં સબમીટ કરવા આદેશ કર્યો છે. આખી સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા વર્ષોથી એક સ્થાને વેપાર કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય, તેમના હિત જળવાય તેમજ મહાનગરપાલિકા આ વેપારીઓની વાત સાંભળે તેમ પણ ટકોર કરાઈ છે.
જ્યાં સુધી મહાનગરપાલિકા વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરે ત્યાં સુધી દુકાનોને તોડવા અંગે કોઈ પણ નિર્ણય ન લેવા માટે આદેશ કર્યો છે. આ તરફ મહાનગરપાલિકા તરફથી રજૂઆત કરવા પહોંચેલા વકીલ દ્વારા નગરપાલિકાની સ્થિતિ ડામાડોળ હોવાનું જણાવાયું હતું.