કેદારનાથ સહિત ચારધામની યાત્રા શરૂ થઇ ગઇ છે. ચારધામના યાત્રીઓ માટે આગામી સમયમાં આ યાત્રા વધારે સરળ અને સુવિધાજનક બની જશે. કેન્દ્ર સરકારે કેદારનાથ યાત્રા માટે રોપ-વેની યોજના તૈયાર કરી છે, આ નવી સુવિધાથી ભક્તો માત્ર 28 મિનિટમાં કેદારનાથ બાબાતના દર્શન કરી શકશે. ગૌરીકુંડ થી કેદારનાથ રોપનો આ પ્રોજેક્ટ દુનિયાનો સૌથી લાંબો રોપ-વે પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે.
“પર્વતમાલા પ્રોજેક્ટ” : 250થી વધુ પ્રોજેક્ટ વિકસાવવાની યોજના
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં રોપવે પ્રોજેક્ટ વિકસાવવા માટે ઝડપથી કામ કરી રહી છે. “પર્વતમાલા પ્રોજેક્ટ” હેઠળ, મેદાની વિસ્તારો સાથે પર્વતીય વિસ્તારોની કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવામાં આવશે. આનાથી ઘણા પર્વતીય રાજ્યોમાં પ્રવાસનને પણ વેગ મળશે. સરકાર યોજના હેઠળ પાંચ વર્ષમાં 1,200 કિમીથી વધુ રોપવે સાથે 250 થી વધુ પ્રોજેક્ટ વિકસાવવાની યોજના ધરાવે છે. આ ક્રમમાં ગૌરીકુંડ અને કેદારનાથ વચ્ચે રોપ-વે પ્રોજેક્ટ પણ બનાવવામાં આવશે, જેના પર દરેકની નજર ટકેલી છે. એવું માનવામાં આવે છે કે તે આગામી બે-ત્રણ વર્ષમાં પૂર્ણ થઈ જશે.
માત્ર 28 મિનિટમાં કેદારનાથ બાબાના દર્શન થશે
ગૌરીકુંડ-કેદારનાથ પ્રોજેક્ટને વિશ્વના સૌથી લાંબા રોપવે તરીકે વિકસાવવામાં આવશે. 9.7 કિમી લાંબો રોપવે પ્રોજેક્ટ ઉત્તરાખંડના ગૌરીકુંડને રૂદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથ ધામ સાથે જોડશે. આ રોપ-વે પ્રોજેક્ટ પૂર્ણ થવા પર, બંને સ્થળો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને 28 મિનિટ થઈ જશે. હાલ બંને સ્થળો વચ્ચેની મુસાફરી પૂર્ણ કરવામાં લગભગ 6-7 કલાકનો સમય લાગે છે. આ રોપ-વે સમુદ્રની સપાટીથી 3,583 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવશે. ગૌરીકુંડને કેદારનાથ ધામ સાથે જોડવા માટે ટ્રાઇ-કેબલ ડીટેચેબલ ગોંડોલા (3S) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ રોપ-વેથી દર કલાક લગભગ 3,600 લોકો મુસાફરી કરી શકશે.
કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટનું મહત્વ
રોપવે પરિવહન ખૂબ જ પર્યાવરણને અનુકૂળ છે. આ મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ધાર્મિક પ્રવાસનને વેગ આપશે. પહેલા લોકોને કેદારનાથ પહોંચવા માટે 20 કિલોમીટર પગપાળા જવું પડતું હતું, પરંતુ જ્યારે આ રોપ-વે બનશે ત્યારે કોઈપણ ઉંમરના ભક્તો સરળતાથી કેદારના દર્શન કરી શકશે. આનાથી પ્રદેશના આર્થિક વિકાસને પણ વેગ મળશે. આ પ્રોજેક્ટ દ્વારા રોજગારીની ઘણી તકો પણ ઉભી થશે.
ભારતમાં ક્યા-ક્યાં સ્થળોએ રોપ-વે પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે
- વારાણસી કેન્ટ – ગોદૌલિયા ચોક સુધી
- ગોવિંદ ઘાટ – ખંગારિયા – હેમકુંડ સાહિબ
- રેલ્વે સ્ટેશનથી મહાકાલેશ્વર મંદિર, ઉજ્જૈન
- ફૂલબાગ સ્ક્વેરથી ગ્વાલિયર કિલ્લા સુધી
- નેચર પાર્ક (મોહલ) થી બિજલી મહાદેવ મંદિર, કુલ્લુ
- રાનસુ બસ સ્ટેન્ડથી શિવખોરી ગુફા સુધી
- ધોસી હિલ, નારનૌલ