ભારતીય મૂળના કાશ પટેલે અમેરિકાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી FBIના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. શનિવારે (22મી ફેબ્રુઆરી) આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. તે FBIનું નેતૃત્વ કરનારા નવમા વ્યક્તિ બન્યા. વોશિંગ્ટન ડીસીમાં આઈઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગ ખાતે આયોજિત એક સમારોહમાં યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ તેમને શપથ લેવડાવ્યા હતા.
#WATCH | Washington | Kash Patel takes oath on the Bhagavad Gita, as the 9th Director of the Federal Bureau of Investigation (FBI).
Source: US Network Pool via Reuters pic.twitter.com/c5Jr0ul1Jm
— ANI (@ANI) February 21, 2025
ટ્રમ્પની નજીક અને એજન્ટોમાં લોકપ્રિય
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલની નિમણૂકની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ‘FBI એજન્ટોમાં કાશ પટેલની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો સરળ હતો. તે આ પદ પર ઉત્તમ કાર્ય કરશે.’
ગુજરાતથી આફ્રિકા અને પછી અમેરિકાની સફર
કાશ પટેલનો પરિવાર મૂળ ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામના વતની છે. તેમનો પરિવાર લગભગ સાત-આઠ દાયકા પહેલા યુગાન્ડા ગયો હતો. વર્ષ 1970ના દાયકામાં યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીન દ્વારા ભારતીયોને હાંકી કાઢવામાં આવ્યા બાદ તેમનો પરિવાર થોડા સમય માટે ભારત પાછો ફર્યો અને પછી કેનેડા અને પછી યુનાઇટેડ સ્ટેટ્સ ગયો. વર્ષ 1980માં ન્યૂયોર્કમાં જન્મેલા કાશ પટેલ પાટીદાર સમુદાયના છે.
કાશ પટેલ એક અમેરિકન વકીલ અને પૂર્વ સરકારી અધિકારી છે, જેમણે રિચમંડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી અને ન્યૂ યોર્કમાં કાયદાની ડિગ્રી મેળવી છે. ઉપરાંત, યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી આંતરરાષ્ટ્રીય કાયદામાં પ્રમાણપત્ર મેળવ્યું છે.
તેમણે અનેક મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં સેવા આપી છે, જેમાં અમેરિકાના પૂર્વ કાર્યકારી સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરના ચીફ ઓફ સ્ટાફ તરીકેનો સમાવેશ થાય છે. તેઓ રાષ્ટ્રિય સુરક્ષા અને ગુપ્તચર નીતિ સાથે જોડાયેલા વિષયોમાં નિષ્ણાત માનવામાં આવે છે.