વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે મહિલા દિવસની ઉજવણી અલગ રીતે કરવા જઈ રહ્યા છે. આ ખાસ દિવસ પહેલા, વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, કેટલીક પસંદગીની મહિલાઓને એક દિવસ માટે તેમના ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ સંભાળવાની તક મળશે. સાથે જ તેમણે એવો અનુરોધ પણ કર્યો કે મહિલાઓ આવી ઘણી પ્રેરણાદાયી જીવન યાત્રાઓ વિશે વધુ શેર કરે.
પીએમ મોદીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, “હું નમો એપ ઓપન ફોરમ પર ખૂબ જ પ્રેરણાદાયી જીવન યાત્રાઓ શેર થતી જોઈ રહ્યો છું, જેમાંથી કેટલીક મહિલાઓને 8 માર્ચે મહિલા દિવસ પર મારા ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેન્ડલ કરવા માટે પસંદ કરવામાં આવશે. હું મહિલાઓને આવી વધુ જીવન યાત્રાઓ શેર કરવાનો અનુરોધ કરું છું.”
I’ve been seeing very inspiring life journeys being shared on the NaMo App Open Forum, from which a few women will be selected for a social media takeover of my digital social media accounts on 8th March, which is Women’s Day. I urge more such life journeys to be shared.…
— Narendra Modi (@narendramodi) March 3, 2025
વિવિધ ક્ષેત્રોની મહિલાઓ સંભાળશે પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ
લોકોને મહિલાઓના અદમ્ય જુસ્સાની ઉજવણી કરવા અને તેનું સન્માન કરવાનું આહ્વાન કરતા, પીએમ મોદીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પોતાના અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિવિધ ક્ષેત્રોની સફળ મહિલાઓને સોંપી દેશે.
દર મહિને પ્રસારિત થતા “મન કી બાત” કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન, પીએમ મોદીએ કહ્યું હતું કે આ સફળ મહિલાઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેમના કામ અને અનુભવો વિશે વાત કરશે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારીની પ્રશંસા કરતા, પીએમ મોદીએ કહ્યું હતું કે, “ચાલો આપણે મહિલાઓના અદમ્ય જુસ્સાની ઉજવણી કરીએ અને તેનું સન્માન કરીએ.”
વર્ષ 2020 માં પણ પીએમ મોદીએ આ રીતે કરી હતી ઉજવણી
આ પહેલી વાર નથી જ્યારે પીએમ મોદી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સોંપવાના છે. અગાઉ વર્ષ 2020 માં 8 માર્ચે મહિલા દિવસ નિમિત્તે, વિવિધ ક્ષેત્રની 7 અગ્રણી મહિલાઓને એક દિવસ માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ સોંપવામાં આવ્યા હતા.
પીએમ મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વૈશ્વિક નેતાઓમાંના એક છે, જેમના ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટ્વિટર સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરોડો ફોલોઅર્સ છે. ફક્ત X પર જ પીએમ મોદીના 10 કરોડથી વધુ ફોલોઅર્સ છે.